1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રુદ્ર વીણાના નિર્માણની પરંપરાને રાષ્ટ્રીય ગૌરવ અપાવતા કિશોરભાઈ મિસ્ત્રી
રુદ્ર વીણાના નિર્માણની પરંપરાને રાષ્ટ્રીય ગૌરવ અપાવતા  કિશોરભાઈ મિસ્ત્રી

રુદ્ર વીણાના નિર્માણની પરંપરાને રાષ્ટ્રીય ગૌરવ અપાવતા કિશોરભાઈ મિસ્ત્રી

0
Social Share

વડોદરા, 24 જુન, 2026 : National pride to the tradition of making Rudra Veena ગુજરાતની કલાનગરી તરીકે વિખ્યાત વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા ૧૫૦ વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે.મિસ્ત્રી પરિવારના આ પ્રયાસોનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું. નવી દિલ્હી સ્થિત  સંગીત નાટક અકાદમી, એ રુદ્ર વીણા નિર્માણ માટે શ્રી કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર  વર્ષ -૨૦૨૪ માટે પસંદગી કરી છે.

આ સન્માન માટે પસંદગી પામ્યા બાદ પ્રથમ પ્રતિભાવ આપતાં  કિશોરભાઈએ કહ્યું : “ આ મારું સન્માન નથી, પણ પૂર્વજોની સાધના-તપસ્યાનું ફળ છે.”  કિશોરભાઈ પોતાના હ્રદયના ભાવ વ્યક્ત કરતાં કહે છે “મારું સન્માન એ વ્યક્તિગત સિદ્ધિ નથી, પણ ગુજરાતની સમૃદ્ધ સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા છે.” નોંધપાત્ર બાબત એ છે કે કિશોરભાઈ છેલ્લા પાંચ દાયકાથી રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન માટે પરિશ્રમ કરે છે.

કિશોરભાઈની સંગીત-યાત્રા પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૩માં સંગીત નાટક અકાદમી દ્વારા રુદ્રવીણાના નિર્માણ માટે ગુરુ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું અને ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર હાલ તેઓ સંગીત-સાધકોને રુદ્ર વીણા નિર્માણ શીખવે છે.

સંગીતના બદલાઈ રહેલા સ્વરૂપ અને ભાવિ પેઢીની રૂચિ અંગે વાત કરતાં તેઓ કહે છે વર્ષ ૨૦૨૩માં મને પ્રથમ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોમાં ભાગ લેવાની તક મળી. આ એક્સ્પોમાં સંગીતપ્રેમીઓ અને મુલાકાતીઓએ ઘણી રૂચિ દાખવી, જેમાં યુવા-વર્ગની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.  કિશોરભાઈના મતે આ એક્સ્પોમાં રુદ્ર વીણા અને તેના નિર્માણમાં યુવા વર્ગે દાખવેલો રસ નોંધપાત્ર બાબત હતી.

*રુદ્ર વીણા નિર્માણની પ્રક્રિયા અને સંગીત-જગતમાં તેનું મહત્વ*

છેલ્લા પાંચ દાયકાથી રુદ્ર વીણા નિર્માણ સાથે સંકળાયેલા  કિશોરભાઈ મિસ્ત્રી તેની નિર્માણ-પ્રક્રિયા સમજાવે છે. તેઓ કહે છે કે રુદ્ર વીણાની નિર્માણ-પ્રક્રિયા કુદરતી તત્વો પર નિર્ભર છે. વીણાના બંને છેડે અવાજ ગુંજે તે માટે ગોળ તુંબડા લગાવવામાં આવે છે. જે દૂધીના વેલાનું કુળ ધરાવતી વનસ્પતિમાંથી તૈયાર થાય છે. જે આમ તો ભારતમાં બધે ઉગે છે. પરંતુ રુદ્ર વીણા માટે મહારાષ્ટ્રના પંઢરપુરની ચંદ્રભાગા નદીના પટમાં થતા તુંબડા  પસંદ કરવામાં આવે છે. આ તુંબડાને જોડવા માટે ‘પેસિફિક બામ્બુ’ના દંડનો ઉપયોગ થાય છે. આ પેસિફિક બામ્બુ (વાંસ)ની ઋતુ પ્રમાણે કુદરતી રીતે સુકવણી કરવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ સળીયા વડે વાંસની અંદરની ગાંઠો બાળી તેને અંદરથી પોલો કરવામાં આવે છે, જેથી ધ્વનિ વિના વિક્ષેપ તેમાંથી પસાર થઈ શકે. આ વીણાની ખૂંટીઓ માટે કાળા સીસમનું લાકડું વપરાય છે. શાસ્ત્રોમાં સંગીતના પ્રથમ સૂર એટલે કે ‘ષડ્જ’ (સા) માટે મોરને પ્રતીકરૂપ ગણવામાં આવે છે. તેથી વીણા પર કાળા સીસમ કે સાગના લાકડામાંથી આકર્ષક મયુર કંડારવામાં આવે છે. એક રુદ્ર વીણાના નિર્માણમાં નક્શીકામ સાથે અંદાજિત બેથી ત્રણ વર્ષનો સમય લાગતો હોય છે.

મિસ્ત્રી પરિવાર વડોદરાના વેરાઇ માતા ચોક, ખંડેરાવ માર્કેટ પાસે  આવેલી ૧૫૩વર્ષ જૂની દુકાનમાં રુદ્ર વીણાનું નિર્માણ કરે છે. અહી તૈયાર થયેલું સિતાર મેટ્રોપોલિટન મ્યુઝિયમ- ન્યૂયોર્ક- યુએસએ, હોલેન્ડ મ્યુઝિયમમાં સરસ્વતી વીણા,  બરોડા મ્યુઝિયમ અને ફ્રાંસ મ્યુઝિયમમાં રુદ્ર વીણા  જેવા વાદ્યો વિશ્વના પ્રતિષ્ઠિત સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે.  આ ઉપરાંત ગુજરાતના વડનગરમાં નિર્માણ પામી રહેલા ભવ્ય સંગીત મ્યુઝિયમ માટે આ પરિવારે ૩૧ જેટલા સંગીતના પરંપરાગત વાદ્યો તૈયાર કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code