તલાળા (ગીર), 27 એપ્રિલ 2026: 3 youths arrested for illegally entering Ankolwadi forest for lion viewing ગીર પંથકમાં આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે વન વિભાગ પણ એલર્ટ છે. વન વિભાગનો સ્ટાફ જંગલમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસેલા ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા. આ ત્રણેય યુવાનો પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કુલ ₹75,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ગીર વિસ્તારમાં ઉનાળાના વેકેશનને લીધે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. આ સ્થિતિનો લાભ લઈ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરી સિંહ દર્શન કરવાનો પ્રયાસ કરતા હોય છે. આવી ઘટનાઓને રોકવા માટે ગીર પશ્ચિમ વિભાગ જૂનાગઢના DCF અને જામવાળા ACFની સૂચનાથી અને આંકોલવાડી રેન્જના RFO રાદડિયાના માર્ગદર્શન હેઠળ બામણાસા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન તાલાલાના માધુપુરના પૃથ્વન સિંહ સોમવંશી અને મનાન શબ્બીરભાઈ રફાઈ, તેમજ વેરાવળના વંશ ચેતનકુમાર કક્કડ નામના ત્રણ યુવાનોને જંગલ વિસ્તારમાં સિંહ દર્શન કરતા પકડી પાડવામાં આવ્યા હતા.
બામણાસા રાઉન્ડના ફોરેસ્ટર ડેરભાઈ, બીટ ગાર્ડ કામલિયાભાઈ, બરડભાઈ, રાઠોડભાઈ અને સુમનબેન ચાવડા સહિતના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા ત્રણેયને આંકોલવાડી રેન્જ કચેરીએ લાવી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી રૂપિયા 75000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.


