Homeગુજરાતીગુજરાતઅમદાવાદ મ્યુનિ.ના 3832 કેસ અદાલતોમાં પેન્ડિંગ, વકીલોની ફી પાછળ લાખોનો ખર્ચ

અમદાવાદ મ્યુનિ.ના 3832 કેસ અદાલતોમાં પેન્ડિંગ, વકીલોની ફી પાછળ લાખોનો ખર્ચ

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026 :  3,832 cases against AMC pending in courts શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સામે 3832 કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ પડ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં 56 અને હાઈકોર્ટમાં 1,876 કેસનો સમાવેશ થાય છે. જુલાઈમાં 113 કેસોની સુનાવણી થઈ, જેમાં 9 કોર્પોરેશન વિરુદ્ધના ચુકાદા હતા. આ ગતિએ કેસનો નિકાલ કરતા લગભગ 3 વર્ષ લાગી શકે છે.  મહત્ત્વનું છે કે, એએમસી દ્વારા દર વર્ષે વકીલોની ફી પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે, છતાય કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો સામે સુપ્રીમ કોર્ટથી લઈને સીટી સિવિલ કોર્ટ સુધીની વિવિધ અદાલતોમાં 3,832 કેસો પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કેસો પૈકી સૌથી વધુ 1,876 કેસ ગુજરાત હાઈકોર્ટમાં અને 56 કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે. અદાલતોમાં વધતા જતા કેસોના નિકાલ અને બચાવ માટે કોર્પોરેશન દ્વારા દર વર્ષે વકીલોની ફી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગત જુલાઈ માસ દરમિયાન વિવિધ અદાલતોમાં AMCને લગતા કુલ 113 કેસોના ચુકાદા આવ્યા હતા, જેમાંથી 9 કેસોમાં એએમસીને પછડાટ મળી હતી જ્યારે 104 કેસોમાં એએમસીની તરફેણમાં ચુકાદા આવ્યા હતા. જુલાઈ મહિનામાં આવેલા ચુકાદાઓની વિગતો મુજબ કોર્પોરેશન વિરુદ્ધ ગયેલા કુલ 9 કેસોમાંથી 7 કેસ ગુજરાત હાઈકોર્ટમાં, 1 કેસ સિટી સિવિલ કોર્ટમાં અને 1 કેસ ગ્રામ્ય કોર્ટમાં હાર્યા હોવાનું નોંધાયું છે. બીજી તરફ રાહતની બાબત એ રહી કે આ જ સમયગાળા દરમિયાન 104 કેસોના ચુકાદા કોર્પોરેશનની તરફેણમાં આવ્યા હતા.

મ્યુનિના લીગલ કમિટીના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે ક્લબો અને મોટા કરદાતાઓ સામે કડક વસૂલાતની કામગીરી ચાલી રહી છે, જેમાં એકા ક્લબના બાકી નીકળતા 20 કરોડ રૂપિયાના પ્રોપર્ટી ટેક્સ મામલે કમિટીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ કેસમાં આગામી 10 સપ્ટેમ્બરના રોજ સુનાવણી નિર્ધારિત હોવાથી ખાસ સરકારી વકીલની નિમણૂક કરીને કેસ ઝડપથી ચલાવવા સૂચના અપાઈ છે.ગુજરાત હાઈકોર્ટ દ્વારા AMC વિરુદ્ધ આપવામાં આવેલા ચુકાદાઓમાં ટી.પી. સ્કીમ નંબર 301 (ભાડજ-શિલજ-હેબતપુર) ના એફ.પી. નંબર 19/2 અને 19/3 અંગે પિટિશનરને તાત્કાલિક કબજો સોંપી દેવાનો મહત્વપૂર્ણ આદેશ કરાયો છે. આ ઉપરાંત અન્ય એક કેસમાં કોર્પોરેશન દ્વારા અરજદારની જમા રકમ ફોરફીટ (જપ્ત) કરવાના એકતરફી નિર્ણયને અદાલતે રદ કર્યો છે અને આગામી 4 અઠવાડિયામાં 23.92 લાખ રૂપિયાની EMD ડિપોઝિટ અરજદારને ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.

શહેરમાં વર્ષોથી ખડકાયેલા ધાર્મિક દબાણો અંગે પણ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટ દ્વારા શહેરમાંથી ધાર્મિક દબાણો દૂર કરવા, તેમને અન્ય યોગ્ય સ્થળે ખસેડવા અથવા નિયમ મુજબ નિયમિત કરવા સંદર્ભે થયેલી કામગીરીનો દર 6 મહિને વિસ્તૃત પ્રોગ્રેસ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ ફાઇલ કરવા રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ તંત્રને આદેશ જારી કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular