અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં સફલ પરિસર રોડ પર આવેલા સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ નજીક પાર્ક કરેલી કારના વિન્ડો કાચ તોડીને બે શખશો રૂપિયા બે લાખની રોકડ ભરેલી બેગ લઈને બાઈક પર ફરાર થઈ ગયા હતા. પ્રિન્સ નામના વેપારી પરત ફર્યા ત્યારે તેમની કારના કાચ તૂટેલા હતા. અને બે લાખ રોકડ ભરેલી બેગ ચોરાયાની જાણ થતા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના કૂંટેજ મેળવીને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સાઉથ બોપલમાં રહેતા પ્રિન્સ નામના વેપારી તેમની i10 કાર લઈને સાઉથ બોપલના સફલ પરિસર રોડ પર આવેલા સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરીને બિલ્ડિંગમાં ગયાં હતાં. કારમાં આગળના ભાગે પૈસા ભરેલી બેગ રાખી હતી. દરમિયાન લોકોની અવર-જવર વચ્ચે એક બાઈક પર બે શખસો હેલ્મેટ પહેરીને આવ્યા હતા. કંઈ પણ વિચાર્યા વિના પાછળ બેઠેલા શખસે કારમાં ડ્રાઇવરની બાજુની સીટના દરવાજાનો કાચ સેકન્ડસમાં તોડીને પૈસા ભરેલી બેગ લઈને નાસી ગયા હતા. વેપારી જ્યારે બિલ્ડીંગમાંથી નીચે આવ્યા અને કાર તરફ જોયું તો કારનો કાચ તૂટેલો હતો અને પૈસા ભરેલી બેગ પણ ગાયબ હતી. આ બેગમાં બે લાખ રૂપિયા રોકડ રકમ હતી. ચોરી થયાની જાણ થતા તેમને તાત્કાલિક 112 નંબર ઉપર જાણ કરીને પોલીસને બોલાવી હતી.
પોલીસે સ્થળ પર પહોંચીને બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં બાઈક પર આવેલા બંને શખસો ચોરી કરતા દેખાતા હતાં. સમગ્ર મામલે બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


