વડોદરા, 23 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર રાતના સમયે અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે વડોદરા-હાલોલ હાઈવે પર મોડી રાતે કોઈ અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત નિપજ્યુ હતું. જ્યારે બાઈકસવાર યુવાનનો બચાવ થયો હતો. અકસ્માત બાદ પૂર ઝડપે વાહન પલાયન થતાં અકસ્માત કાર દ્વારા સર્જાયો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. પોલીસે હાઈવે પરના સીસીટીવીના કૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા-હાલોલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક બાઈકને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પર પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ લોહીનો રેલો વહ્યો હતો અને યુવકે ત્યાં જ દમ તોડી દીધો હતો. બાઈક પર સવાર બે યુવાનોમાંથી બાઈકચાલક એક યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની જાણ થતાં જ જરોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મધરાતે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ટક્કર મારી ફરાર થઈ ગયેલા વાહનચાલકની શોધખોળ કરી રહી છે.


