અમદાવાદ, 9 માર્ચ 2026: Accused arrested for luring relatives of poor patients to open mule A/C ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાબર માફિયાઓને બેન્ક એકાઉન્ટ્સ ભાડે આપનારા સ્થાનિક લોકો જ છે. સાયબર માફિયાઓ તો ભાગ્યે જ પકડાય છે. પણ બેન્ક ખાતા ભાડે આપનારાને જેલની હવા ખાવી પડે છે. સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે અને ચોક્કસ ટુકડી દ્વારા જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી તેમના એકાઉન્ટ પોતે ઓપરેટ કરી તેમાં કરોડોનો ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે કામ કરતી ટોળકીનો માસ્ટર માઇન્ડ રેહાન ભૂરાણી વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીઓના સ્વજનોને વાતમાં લઈ તેમને થોડા રૂપિયા આપી તેમના ડોક્યુમેન્ટના આધારે એકાઉન્ટ ખોલાવતો હતો, અને આ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ માટે થાય તેમ એકાઉન્ટ સાયબર ગઠિયાઓને આપતો હતો. જેને પગલે ક્રાઇમ બ્રાંચે તેને વી.એસ. હોસ્પિટલ પાસેથી ઝડપી લીધો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, એક યુવક વી.એસ.માં આવતા જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટના આધારે મ્યુલ એકાઉન્ટ ઓપન કરાવી રહ્યો છે. પોલીસે તરત જ વી.એસ. હોસ્પિટલ પહોંચી લોકોને ઠગતા રેહાન મીનાઝઅલી ભૂરાણી (રહે. ગુલુભાઈની વાડી, ભાવનગર-તળાજા)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે 3 મોબાઇલ ફોન, ચાર જુદી જુદી બેંકની ચેકબુક, બે ડેબિટ કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ મળ્યા હતા.
પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી હતી કે, તે વી.એસ.માં આવતા ગરીબ લોકોને ટાર્ગેટ કરી તેમને સારવાર માટે રૂપિયાની જરૂર હોય ત્યારે તેમના નામે એકાઉન્ટ ખોલાવી તેની કિટ પોતે લઈ લેતો હતો અને તેમના નામે નવા મોબાઇલ નંબર લઈ તે બેંકમાં લખાવતો હતો. જ્યારે આ ડોક્યુમેન્ટના આધારે જુદા-જુદા સાયબર ફ્રોડના રૂપિયા આવા ખાતામાં ટ્રાન્ઝેક્શન કરીને તેનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ તરીકે કરતા હતા. આવા એક ખાતાદીઠ તેઓ જરૂરીયાતમંદ ખાતેદારને 20 હજાર રૂપિયા કમિશન આપતા હતા. જોકે તેના ખાતામાં કેટલાના ટ્રાન્ઝેક્શન થાય છે તેની ખાતેદારને કોઈ જ જાણ નહોતી.વધુમાં ભૂરાણીએ પોતાના આઠ સાગરીતો પણ આ જ કામ કરતા હોવાની કબૂલાત કરી પોતાના આઠ સાગરીતો વત્સલ પટેલ (રહે. નહેરૂનગર, અમદાવાદ), ઇમરાન (જૂહાપુરા), મુસ્તફા (ભાવનગર), યાસીન (ભાવનગર), કોમેલ (આણંદ), જયેશભાઈ (મુંબઇ), રૂષભ ગડા (મુંબઇ) તથા અસદ (ભાવનગર) પણ આવું જ કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે તેમને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.


