સુરેન્દ્રનગર, 15 માર્ચ 2026: long queues formed outside gas agency for LPG cylinders જિલ્લામાં એલપીજી ગેસ સિલિન્ડરોની અછત સર્જાતા ગેસ સિલિન્ડરો મેળવવા માટે ગેસ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઘરેલું ગેસ ફાળવણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક ગેસ સિલિન્ડરની નોંધણી પછી બીજો ગેસ સિલિન્ડર જોતો હોય તો બંને વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો છે. એક તરફ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે છતાં પણ ગેસનો સિલિન્ડર સમયસર લોકોને મળતો નથી અને નોંધણી પણ નથી થતી તેવી લોકોમાં ફરિયાદ ઊઠી છે.
મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે એલપીજી ગેસનો સપ્લાય અટકી પડ્યો છે. જેની સૌથી મોટી અસર ગુજરાત સહિત ભારત પર જોવા મળી રહી છે અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગેસની અછત સર્જાઇ રહી છે અને ગેસ એજન્સીઓ બહાર ગેસના સિલિન્ડર લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલના તબક્કામાં ગેસ સિલિન્ડર લેવા માટેના રજીસ્ટ્રેશન ન થતા હોવાના કારણે ગેસનો સિલિન્ડર લેવા માટે લોકોને ફરજિયાત એજન્સીની ઓફિસ સુધી જવું પડે છે. બીજી તરફ સોફ્ટવેરમાં ઓટીપી જનરેટ નથી થતા અને સર્વરમાં પણ પ્રશ્નો સર્જાઇ રહ્યા છે એટલે ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તે છતાં પણ ગેસનો સિલિન્ડર સમયસર લોકોને મળતો નથી
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગેસ સિલિન્ડર વિતરણ કરતી અલગ અલગ ચાર જેટલી એજન્સીઓ છે. તંત્ર દ્વારા પણ સતત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ખાસ કરીને કાળા બજારી ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને ગેસ એજન્સી ધારકોને પણ સૂચના આપવામાં આવી રહી છે અને જે લોકો ગેસની નોંધણી કરાવવા આવે છે તેમની નોંધણી કરી આપવા અને 25 દિવસ બાદ તરત જ તેમને ગેસ સિલિન્ડરની ફાળવણી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે. પરંતુ બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસની અછત ખૂબ વર્તાઈ રહી છે. છેલ્લા 13 દિવસથી એક પણ એજન્સીને સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ સિલિન્ડર ફાળવવામાં આવ્યા નથી. જેને લઈને હોટલ બિઝનેસ તેમજ ખાણીપીણીની લારીઓ, નાની રેસ્ટોરન્ટ અને સોનીકામ સાથે જોડાયેલા લોકોના ધંધા ઉપર અસર પડી રહી છે ને હવે તાળા લાગે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સુરેન્દ્રનગરના હોટલ ધારકોના કહેવા મુજબ છેલ્લા 13 દિવસથી કોઈપણ પ્રકારના ગેસનો પુરવઠો ફાળવવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ ન મળ્યો હોવાના કારણે હાલના તબક્કામાં તેના ઓપ્શનમાં ખાણીપીણીની વસ્તુ બનાવવા માટે બળતણ તેમજ કોલસાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પરંતુ અમુક ખાણીપીણીના બિઝનેસ એવા છે કે જેમાં ફરજિયાત ગેસનો ઉપયોગ કરવો પડે જેવા કે મીઠાઈ બનાવી હોય અથવા તો ગેસની ભઠ્ઠીઓ ચલાવવી હોય અને અન્ય ખાણી પીણીની વસ્તુઓમાં ફરજિયાત ગેસ જોતો હોય છે. ત્યારે આ પ્રકારની વસ્તુ બનાવતા સંચાલકોને ગેસ ન મળતો હોવાના કારણે ખાણી પીણીના ધંધા ઉપર અસર પડી રહી છે અને હવે તાળા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે.


