1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં હવે વીજળીના સ્માર્ટ મીટર લગાવવાની ઝૂંબેશ કરાશે
સૌરાષ્ટ્રમાં  હવે વીજળીના સ્માર્ટ મીટર લગાવવાની ઝૂંબેશ કરાશે

સૌરાષ્ટ્રમાં હવે વીજળીના સ્માર્ટ મીટર લગાવવાની ઝૂંબેશ કરાશે

0
Social Share

રાજકોટ, 14 મે 2026: Campaign to install smart electricity meters સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીમાં બ્રેક લગાવવામાં આવી હતી.  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતા હવે વીજળીના સ્માર્ટ મીટરો લગાવવાની ઝૂંબેશ શરૂ કરાશે. દરરોજ અંદાજે 3,000 મીટર લગાવાતા હતા, જેનો લક્ષ્યાંક હવે વધારીને દૈનિક 10,000 કરવામાં આવ્યો છે. વીજ કર્મચારીઓને પણ ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે.

પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડી સિવાયના કુલ 56.92 લાખ રહેણાંક ગ્રાહકો છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 6.14 લાખ ગ્રાહકોને ત્યાં જ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી શકાયા છે. જોકે સ્માર્ટ મીટરો સામે વીજ ગ્રાહકો વિરોધ કરી રહ્યા છે. શરૂઆતમાં મીટર ફાસ્ટ ચાલતા હોવાની અને બિલ વધુ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, વીજ કર્મચારીઓ દ્વારા બળજબરી કરાતી હોવાના આક્ષેપો વચ્ચે ચૂંટણીમાં કોઈ વિવાદ ન સર્જાય તે હેતુથી કામગીરી અટકાવી દેવાઈ હતી. જોકે, ચાલુ માસથી ફરી આ પ્રક્રિયા ઝડપી બનાવાશે.

પીજીવીસીએલના એમડીએ જણાવ્યું હતું કે,  સ્માર્ટ મીટર નાખવાનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત છે અને તેનું રાજ્ય સરકાર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. હાલ ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવેલી છે. અપર્વા અને ભારત ગ્રીન દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર લગાવવા બાબતે ગ્રાહકોમાં એક ગેરસમજ છે કે સ્માર્ટ મીટર ફાસ્ટ ચાલે છે અને તેનાથી કંપનીનો ફાયદો છે, પરંતુ સ્માર્ટ મીટરથી માત્રને માત્ર ગ્રાહકને ફાયદો છે. સ્માર્ટ મીટર લગાવવાથી વોલ્ટેજમાં ફ્લકચુએશન, લોડ બેલેન્સિંગ અને ફોલ્ટ સર્જાય ત્યારે ગ્રાહકોને ફરિયાદ કરવાની જરૂર રહેતી નથી, પરંતુ તેને બદલે અહીંના સ્કાડા સેન્ટર ઉપર નોંધ લેવાઈ જાય છે. જે લોકો સ્માર્ટ મીટર લગાવે છે તેઓને સવારે 11થી સાંજે 5 વાગ્યાના પિક અવર્સમાં યુનિટ દીઠ 60 પૈસા રિબેટ આપવામાં આવે છે. એટલે કે બિલમાં 33% જેટલો ફાયદો થઈ જાય છે. હાલમાં અમે બંને એજન્સીઓ મારફત ડોર-ટુ-ડોર ઓપન એક્સેસ કરેલું છે. દરરોજ 3000 જેટલા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દૈનિક 10,000 સ્માર્ટ મીટર લગાવવામાં આવે તે પ્રકારનું પીજીવીસીએલનું આયોજન છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code