ગાંધીનગર, 2 જુન, 2026 : Rickshaw gang terrorizes again in Adalaj, જિલ્લાના અડાલજમાં ફરીવાર રિક્ષા ગેન્ગનો આતંક વધી રહ્યો છે. અડાલજમાં અન્નપૂર્ણા સર્કલ નજીક માણેકબા સ્કૂલ પાસે એક યુવાનને રિક્ષામાં બેસાડીને ચાલુ રિક્ષામાં રૂપિયા 10 હજાર લૂંટી લેવાનો બનાવ બનતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને લૂંટારૂ રિક્ષા ગેન્ગને ઝડપી લેવા કવાયત તેજ કરી છે.
આ બનાવમાં ગાંધીનગરના ઝુંડાલમાં હિલ્લોક હોટલની બાજુમાં દેવનારાયણ કિરાણા સ્ટોર ખાતે રહેતા મૂળ રાજસ્થાનના ભગવાનલાલ ગુર્જરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. 30 મે,2026ના રોજ ભગવાનલાલ સરગાસણ ખાતે ભંગારના કામકાજ માટે ઘરેથી નીકળ્યા હતા. અને અડાલજ ગામ તરફના રસ્તા પર અન્નપૂર્ણા સર્કલ નજીક રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે ઝુંડાલ તરફથી એક સીએનજી રિક્ષા આવીને તેમની પાસે ઉભી રહી હતી. રિક્ષાચાલકે તેમને ક્યાં જવું છે તેવું પૂછતા તેમણે સરગાસણ જવાનું જણાવતા ચાલકે હા પાડી હતી. જે રિક્ષામાં પાછળની સીટ પર પહેલેથી જ એક અજાણ્યો વ્યક્તિ બેઠેલો હતો.રિક્ષા અન્નપૂર્ણા સર્કલથી થોડે આગળ માણેકબા સ્કૂલ નજીક પહોંચી ત્યારે પાછળ બેઠેલા શખસે ભગવાનલાલને તેમની પાસે જે હોય તે આપી દેવા ધમકી આપી હતી.ત્યારબાદ લૂંટારૂઓએ બળજબરીથી તેમના પેન્ટના ખિસ્સામાંથી 10 હજાર રુપિયા રોકડા કાઢી લીધા હતા.આ લૂંટને અંજામ આપ્યા બાદ થોડે આગળ જઈને રિક્ષા ચાલક અને તેના સાથીએ ભગવાનલાલને રસ્તામાં ઉતારી દીધા હતા.અને પોતાની રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.
લૂંટના આ બનાવ બાદ ગભરાયેલા ભગવાનલાલ પોતાના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ બાબતે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રિક્ષાચાલક આશરે 40થી 45 વર્ષનો હતો. જ્યારે પાછળ બેઠેલો શખસ આશરે 30થી 35 વર્ષનો હતો.હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ કરી રહી છે.


