સુરત, 3 જુન, 2026 : One more accused arrested from Bihar શહેરમાં વરાછા વિસ્તારમાં SBI બેન્કની બ્રાન્ચમાં ગઈ તા. 27મી એપ્રિલના રોજ ધોળા દહાડે બંદુકની અણિએ રૂપિયા 50 લાખની રોકડનો લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ પોલીસે ભારે જહેમત ઉઠાવીને બિહારની કુંદન ભગતની ગેન્ગને દબોચી લીધી હતી. પણ ગેન્ગનો સૂત્રધાર પોલીસ પકડથી દૂર હતો. આથી ગેન્ગના સૂત્રધારને પકડવા માટે શહેર પોલીસે સતત 8 દિવસ બિહારના અંતરિયાળ ગામડાઓમાં સ્થાનિક પહેરવેશ અને ખાનગી કપડાંમાં રહીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ગોઠવ્યું હતું. અને મોહિતારીના બિરતી બજાર ચોક વિસ્તારમાંથી આરોપી મન્તીશ ઉર્ફે મુકેશ કુમારને ઝડપી લેવાયો છે.
સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વરાછા બ્રાન્ચમાં 50 લાખની લૂંટ કેસમાં બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો વધુ એક સાગરતી મન્તીશ ઉર્ફે મુકેશ કુમારને સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારના પૂર્વ ચંપારણ (મોતિહારી) જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસની ભીંસ વધતાં આરોપી મુકેશ ભારત સરહદ ઓળંગીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે સરહદ પાર કરે તે પહેલાં જ સુરત પોલીસે તેને દબોચી લીધો હતો
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી મુકેશનો સીધો સંપર્ક લૂંટના મુખ્ય સૂત્રધારોમાંથી એક એવા વિજય નામના આરોપી સાથે હતો. વિજય અને મુકેશ બંને બાજુના ગામમાં રહેતા હોવાથી નાનપણના પાકા મિત્રો છે. વિજયે જ મુકેશને આ આખી ગેંગમાં સામેલ કર્યો હતો. એટલું જ નહીં લૂંટ દરમિયાન જો કોઈ પ્રતિકાર કરે આથવા પોલીસ સામે આવી જાય તો સામનો કરવા માટે વિજયે મુકેશને બિહારમાં અવાવરૂ જગ્યાએ દેશી તમંચા અને પિસ્તોલથી ફાયરિંગ કરવાની સ્પેશિયલ ટ્રેનિંગ આપી હતી.
લૂંટ કેસના આરોપી મુકેશ ઉર્ફે મન્તીશ કુમારને બિહારની મોતિહારી કોર્ટમાં રજૂ કરી 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યો છે. એડિશનલ સીપી કરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુકેશ લૂંટ દરમિયાન બેંકની અંદર હથિયાર સાથે ઘૂસનારા આરોપીઓ પૈકી એક છે. તેની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. લૂંટમાં વપરાયેલા કુલ 6 હથિયારો તેણે ક્યાં છુપાવ્યા છે તેની તપાસ કરવાની બાકી છે.


