અમદાવાદ, 17 જુન, 2026 : Vehicles do not stop even at red lights at the Pelican traffic signal શહેરના સીજી રોડ પર રાહદારીઓ રોડ ક્રોસ કરી શકે તે માટે પ્રાયોગિક ધારણે પેલિકન ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં રાહદારીઓ જાતે જ સિગ્નલ પર બટન દબાવીને રોડ ક્રોસ કરી શકે છે, બટન દબાવતા રેડ સિગ્નલ થતાં વાહનો ઊભા રહી જાય છે, વિદેશોમાં પેલિકન ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા સફળ રહી છે. ત્યારે અમદાવાદમાં સીજી રોડ પર પેલિકન ટ્રાફિક સિગ્નલને યોગ્ય સફળતા મળી નથી. કારણ કે, વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલનની જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. રેડ સિગ્નલ છતાં વાહનો બિન્દાસથી દોડતા જોવા મળી રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સીજી રોડ ઉપર રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં આસાની રહે અને અકસ્માત ન સર્જાય તેના માટે પેલિકન ટ્રાફિક સિગ્નલ (પુશ-બટન સંચાલિત) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જોકે રાહદારીઓ માટે ઊભી કરવામાં આવેલી આ સુવિધાના ઉપયોગ માટે વાહનચાલકો જાગૃત બન્યા નથી. કોઈપણ નાગરિક જ્યારે બટન દબાવે છે અને રેડ લાઈટ થાય છે તેમ છતાં પણ વાહન ચાલકો ઉભા રહેતા નથી. રાહદારીઓએ ડરતા ડરતા રોડ ક્રોસ કરવો પડે છે. કેટલાક રાહદારીઓ પણ આ બટનનો ઉપયોગ પણ કરતા નથી.
શહેરના સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે ટ્રાફિક પોલીસ અને એએમસીના સંયુક્ત પ્રયાસથી લગાવવામાં આવેલું પેલિકન ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાહદારીઓ બટન દબાવીને જઈ શકે તેના માટે રેડ અને ગ્રીન એમ બે સિગ્નલ રાહદારીઓની જાણકારી માટે મૂકવામાં આવ્યું છે. વાહનચાલકો માટે પણ રેડ અને ગ્રીન સિગ્નલ મૂકવામાં આવ્યા છે.જોકે કોઈપણ વ્યક્તિ આ બટન દબાવીને જ્યારે રોડ ક્રોસ કરે છે ત્યારે ત્યાં વાહનચાલકો રેડ લાઈટ હોવા છતાં પણ ઊભા રહેતા નથી.


