અમદાવાદ, 24 જુન 2026 : Pending demands of teachers રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકોના વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. આથી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને સ્મૃતિપત્ર પાઠવીને રજુઆત કરી છે. મહામંડળે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે પૂર્ણ કક્ષાની બેઠક યોજી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની માગ પણ કરી છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પ્રો. રાજેન્દ્ર જાદવે જણાવ્યું કે, બે વર્ષ પહેલા એટલે કે, જુલાઈ-2024માં રાજ્ય સરકાર અને અધ્યાપક મહામંડળ વચ્ચે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા, પરંતુ આજે પણ મોટાભાગના નિર્ણયો અમલમાં આવ્યા નથી.આ મુદ્દે મહામંડળ દ્વારા 8 ડિસેમ્બર 2025ના રોજ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાંપણ આજદિન સુધી કોઈ સંપૂર્ણ કક્ષાની બેઠક યોજાઈ નથી. તેથી 23 જૂન 2026ના રોજ ફરી સ્મૃતિપત્ર આપી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
અધ્યાપક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પાઠવેલા સ્મૃતિપત્રમાં કોલેજ અધ્યાપકોને ગ્રાન્ટ-ઇન-એડ કોલેજોમાં સમાવેશ, નિવૃત્તિ સમયે 300 દિવસની રજાના રોકડ રૂપાંતરનો લાભ, અંશકાલીન અધ્યાપકોના પ્રશ્નો, આચાર્ય તરીકે નિયુક્ત થતા સેવા જોગવાઈઓ, નિવૃત્તિ વયમર્યાદા 62થી વધારી 65 વર્ષ કરવાની માંગ, મેડિકલ ભથ્થા અને ફેમિલી પેન્શન સંબંધિત મુદ્દાઓ સહિત અનેક પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહામંડળે નવી પેન્શન યોજના (NPS) હેઠળના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવાની માંગ પણ પુનરાવર્તિત કરી છે. ઉપરાંત UGCના CAS લાભો, શિક્ષણ ક્ષેત્રની વિવિધ સમિતિઓમાં અનુદાનિત કોલેજોના અધ્યાપકોને પ્રતિનિધિત્વ આપવા અને કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ વિસ્તૃત કરવાની માંગ પણ રજૂ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે સરકારને રજૂઆત કરી છે કે અધ્યાપકોના વર્ષોથી લંબિત પ્રશ્નોના નિરાકરણ માટે વહેલી તકે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે, જેથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત હજારો અધ્યાપકોને રાહત મળી શકે.


