અંબાજી, 15 ઓગસ્ટ 2026 : Green Aravalli Campaign હરિયાળા ગુજરાતના નિર્માણ માટેના ‘ગ્રીન અરાવલી’ અભિયાન અંતર્ગત અંબાજી ખાતે ગબ્બર રોડ પર સામુહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને અને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
યાત્રાધામ અંબાજીમાં ગબ્બર હિલ વિસ્તારમાં ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત મેગા પ્લાન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને નવી પેઢીને આ અભિયાન સાથે જોડવા માટે સરકારની સાથે નાગરિકોએ પણ આગળ આવવું જોઈએ. વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ સાચી પૂજા સમાન છે. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને વિસ્તારને હરિયાળો બનાવવા જિલ્લા તંત્ર અને વન વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ગબ્બર વિસ્તાર સહિત બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તારોને હરિયાળા બનાવવા વ્યાપક વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે. ‘એક પેડ માં કે નામ-3.0’ અભિયાન હેઠળ આગામી સમયમાં 51 શક્તિપીઠોને ધ્યાનમાં રાખીને 51 લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સરકાર, વન વિભાગ અને જનભાગીદારીના સંકલિત પ્રયાસોથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવામાં આવશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જંગલ સંરક્ષણની સાથે આદિવાસી સમાજને રોજગારી અને સ્વરોજગાર પૂરી પાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આદિવાસી પરિવારોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી રહે તે માટે વિવિધ વિકાસકાર્યોમાં સ્થાનિક કારીગરો અને શ્રમિકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

