પાલનપુર, 21 ઓગસ્ટ, 2026 : Cyber fraud upon opening a link on WhatsApp સાયબર માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને ફ્રોડ કરતા હોય છે. મોબાઈલફોનના વોટ્સઅપ પર ડિજિટલ કંકોતરીના નામે લિંક મોકલતા હોય છે. કોની કંકોતરી આવી છે, તે જોવા માટે લીંક ખોલતા જ મોબાઈલફોન હેક થઈ જાય છે. અને મોબાઈલનો કંટ્રોલ સાયબર માફિયાના હાથમાં જતો રહે છે. અને બેન્ક સાથે જોડાયેલા મોબાઈલ દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. આવો જ એક ફ્રોડનો બનાવ બન્યો છે. પાલનપુરમાં કેટરર્સના વેપારી સાથે ડિજિટલ કંકોત્રીથી રૂ.68,450 હજારની સાયબર ઠગાઈ થઇ હતી. વેપારીએ તેમના મોબાઇલ ફોનમાં વોટસએપ ઉપર આવેલી કંકોત્રી ખોલતાં જ મોબાઇલ હેક થયો હતો. અને થોડા સમય પછી ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા. આ અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરની શિવનગર સોસાયટીમાં રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા રતનસિંહ પુરોહિતના મોબાઇલના WhatsApp પર એક કંકોતરીની લિંક આવી હતી. તેને સાચી આમંત્રણ પત્રિકા સમજીને રતનસિંહે જેવી લિંક પર ક્લિક કર્યું, તે સાથે જ તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર ₹68,450 ઉપડી ગયા હતા. એટલું જ નહીં, સિસ્ટમ હેક કરીને ઠગબાજોએ રતનસિંહના નામે જ અન્ય સગા-સંબંધીઓ અને મિત્રોને પણ આ વાયરસ યુક્ત લિંક મોકલવાનું શરૂ કરી દીધું હતું. ઘટનાની ગંભીરતા સમજી રતનસિંહે તાત્કાલિક સ્વજનોને આ લિંક ન ખોલવા જાણ કરી હતી અને બેંકનો સંપર્ક કરી ખાતું ફ્રીઝ કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સાયબર ઠગ વોટ્સએપ પર લગ્ન કે પ્રસંગની પત્રિકાના નામે મિશિયસ APK ફાઇલ કે લિંક મોકલે છે. લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલમાં ગુપ્ત રીતે વાયરસ કે સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. જે બેંકિંગ વિગતો અને ઓટીપી ચોરી લે છે તેમજ તમારો મોબાઈલ કંટ્રોલ કરીને કોન્ટેક્ટ્સને આપોઆપ લિંક મોકલે છે. અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ આમંત્રણ કે ઓફરની લિંક પર ક્યારેય ક્લિક ન કરવું. સાયબર હુમલો કે છેતરપિંડી થાય તો વિલંબ કર્યા વિના તુરંત 1930 પર કોલ કરી બેંક અને પોલીસને જાણ કરવી જોઇએ.


