મહેસાણા, 1 સપ્ટેમ્બર, 2026 : DDO’s car accident રાજ્યમાં મોટાભાગના અકસ્માતોના બનાવો પૂરફાટ ઝડપે વાહનો ચલાવીને ઓવરટેક કરવાથી થતા હોય છે. આવા જ એક અકસ્માતના બનાવમાં ગાંધીનગરના ખેરણા ગામ નજીક મહેસાણા જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ ડીડીઓની કાર પૂરઝડપે ઓવરટેક કરવા જતા સામેથી આવતી ટિયાગો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઈન્ચાર્જ ડીડીઓ રાઠોડને પગમાં ઈજા થતાં તેમને વિસનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના ખેરણા ગામ નજીક મહેસાણા જિલ્લાના ઈન્ચાર્જ ડીડીઓની સરકારી કારના ચાલકે ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ટિયાગો કાર સાથે તેની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈન્ચાર્જ ડીડીઓ રાઠોડને પગમાં ઈજા થતાં તેમને વિસનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ટિયાગો કારના ચાલક, જે ગોઝારિયાના રહેવાસી છે, તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. જોકે, ડીડીઓના ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી.
આ અકસ્માતના બનાવની જાણ થતાં જ માણસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગેની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આ અકસ્માતમાં બંને વાહનોને પણ નુકસાન થયું છે. જોકે, આ બનાવ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ ફરિયાદ બાદ અકસ્માતની વધુ વિગતો અને જવાબદારી અંગે સ્પષ્ટતા થશે.


