અમદાવાદ, 11 સપ્ટેમ્બર, 2026 :India’s electoral system is broad and transparent, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કૂમાર ગુજરાતના પ્રવાસે છે. ગુરૂવારે શહેરના એએમએ ખાતે ‘Conducting Elections in India – The Largest Democracy in the World’ વિષય પર પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્ય ચૂંટણી કમિશનરનો વિશેષ સંવાદ યોજાયો હતો. જેમાં જ્ઞાનેશ કૂમારે જણાવ્યું હતું કે, આશરે 90 કરોડ મતદારો ધરાવતા ભારતમાં લોકસભાની ચૂંટણીનું આયોજન વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા છે. દેશની ચૂંટણી વ્યવસ્થા લોકશાહીને ધબકતી રાખવા વિશાળ અને પારદર્શક છે.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ, ચૂંટણી કાયદા અને ભારતના ચૂંટણી પંચની સૂચનાઓના ચુસ્ત પાલન સાથે દેશમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. દેશમાં આશરે 90 કરોડ મતદારો ધરાવતા ભારતમાં લોકસભાની ચૂંટણીનું આયોજન વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા છે. સામાન્ય ચૂંટણી દરમિયાન આશરે 1.8 કરોડ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાય છે. આટલા વિશાળ માનવબળ અને મતદારો સાથે ચૂંટણીનું સફળ સંચાલન ભારતની ચૂંટણી વ્યવસ્થાની વિશિષ્ટ ક્ષમતાનું દ્યોતક છે.
તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય ત્રણ તબક્કા મતદાર યાદીની તૈયારી, મતદાન અને મતગણતરી છે. દેશમાં આશરે 12 લાખ બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરે છે. પાત્ર મતદારોનો સમાવેશ થાય અને અયોગ્ય નામો મતદાર યાદીમાં ન રહે તે માટે સતત ચકાસણી કરવામાં આવે છે. દરેક પાત્ર વ્યક્તિ મતદાર બને અને કોઈપણ અયોગ્ય વ્યક્તિ મતદાર ન બને એ ચૂંટણી વ્યવસ્થાનો મૂળભૂત ઉદ્દેશ હોવાનું જણાવતાં તેમણે મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયાની વિશેષતા એ છે કે મતદાર યાદીથી લઈને મતદાન અને મતગણતરી સુધીના વિવિધ તબક્કે રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રતિનિધિઓની સહભાગિતા રહે છે. બૂથ લેવલ એજન્ટ્સ દ્વારા મતદાર યાદીની ચકાસણી તેમજ મતદાન પહેલાં EVMનું મોક પોલ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે EVM ઈન્ટરનેટ, વાઈ-ફાઈ કે બ્લૂટૂથ સાથે જોડાયેલું નથી. મતદાન શરૂ થતાં પહેલાં ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મૉક પોલ કરવામાં આવે છે અને મશીન યોગ્ય રીતે કાર્યરત છે તેની ચકાસણી બાદ જ વાસ્તવિક મતદાન શરૂ થાય છે.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળે, AMAના પ્રેસિડેન્ટ રાજીવ ગાંધી, રિન્કેશ પટેલ, યોગેશ ઠક્કર સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓ, AMAના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


