ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2026 : ‘Seva Sankalp Abhiyan: Bike Yatra’ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ૧૭ સપ્ટેમ્બરથી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ એમ બે ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાના 10 રૂટ પૈકીના એક રૂટ પરની યાત્રા અમદાવાદ જિલ્લાના સાણંદ આવી પહોંચી ત્યારે સ્વયં બાઈક ચલાવીને યાત્રામાં પ્રતીક રૂપે જોડાયા હતા.
જુદા-જુદા 10 રૂટ પરથી આ યાત્રા પસાર થઈને વડાપ્રધાનની 25 વર્ષની અવિરત જનસેવા સાધનાની સફળતા અને વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાનના જન્મ દિવસે આ બાઈક સેવા યાત્રાનું વડનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડનગરથી વારાણસી સુધીની આ બાઈક યાત્રા દેશના ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ જેટલાં ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે ૪૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે. આ બાઈક સેવા યાત્રાની દરેક ટુકડી ૧૦ અલગ અલગ રૂટ પરથી પસાર થવાની છે અને ૭ ઓક્ટોબર એટલે કે નરેન્દ્રભાઇ મોદીને જાહેરજીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના છે તે દિવસે તેનું સમાપન થશે.
વડનગર અને વારાણસી એમ બંને દિશામાંથી શરૂ થયેલી આ બાઈક સેવા યાત્રામાં ૧૦ અલગ-અલગ ગ્રુપમાં ગ્રુપ દીઠ ૨૫ બાઈક પર ૫૦ સેવા યાત્રીઓ જોડાયા છે. વડનગરથી વારાણસીની યાત્રામાં ૨૫૦ બાઈક પર ૫૦૦ સેવા યાત્રીઓ તેમજ વારાણસી થી વડનગરની યાત્રામાં પણ ૨૫૦ બાઈક પર ૫૦૦ સેવા યાત્રીઓ સહભાગી થઈ રહ્યાં છે. આ રીતે દેશભરમાંથી કુલ ૧,૦૦૦ જેટલા યુવાનો આ યાત્રામાં ભાગ લે છે.
યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન તથા જળસંરક્ષણ જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે. સફાઈ કર્મચારીઓનું સન્માન તેમજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે.


