Homeગુજરાતીગુજરાતઅમરેલીના બાબરકોટ અને વિરપુરમાં કૂવામાં પડેલી બે સિંહણનું રેસ્ક્યુ કરાયું

અમરેલીના બાબરકોટ અને વિરપુરમાં કૂવામાં પડેલી બે સિંહણનું રેસ્ક્યુ કરાયું

અમરેલી, 8 ઓક્ટોબર, 2026 : Two lionesses rescued from wells જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહની વસતી વધી રહી છે. વાડી-સીમ વિસ્તારમાં ખૂલ્લા કૂવામાં સિંહણ અને સિંહબાળ પડવાની બે અલગ ઘટના બની હતી. વન વિભાગના કર્માચારીઓએ બે સિંહણનું રેસ્ક્યુ કરીને કૂવામાંથી બહાર કાઢ્યા હતા.  જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા બાબરકોટ ગામમાં મોડી રાત્રે 1 વર્ષની સિંહણ અચાનક કૂવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ભારે જહમત બાદ સિંહણને સુરક્ષિત બહાર કાઢી હતી. વનવિભાગની સમયસરની કામગીરીથી બાળ સિંહણનો જીવ બચી ગયો હતો. જ્યારે બીજા બનાવમાં ધારી તાલુકાના વિરપુર ગામે ભાભલુભાઈ નાગભાઈ ધાખડાની વાડીમાં આવેલી જગ્યામાં સુવરનો શિકાર કરવા દોડેલી સિંહણ સુવર સાથે ખુલ્લા કૂવામાં ખાબકી હતી. આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ ઘટનાસ્થળે પહોંચીને સિંહણનું રેસ્ક્યુ કર્યુ હતું.

પ્રથમ બનાવની વિગત એવી છે કે, જિલ્લાના બાબરકોટ ગામમાં આવેલા એક જૂના કૂવામાં મોડી રાત્રે 1 વર્ષની બાળ સિંહણ અચાનક પડી ગઈ હતી. કૂવામાંથી અવાજ આવતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને સ્થાનિક લોકોએ તરત જ વનવિભાગને જાણ કરી હતી. કૂવો ઊંડો હોવાથી સિંહણ પોતે બહાર નીકળી શકે તેમ નહોતી. ઘટનાની માહિતી મળતા જ જાફરાબાદ રેન્જના RFO વનવિભાગના સ્ટાફ સાથે બાબરકોટ પહોંચ્યા હતા. તેમની સાથે ફોરેસ્ટર, ટ્રેકર્સ અને રોડ મિત્ર સહિતના કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાયા હતા. વનવિભાગની ટીમે જરૂરી સાધન-સામગ્રી સાથે કૂવામાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. મોડી રાત્રે ભારે જહમત બાદ સિંહણને સહેજ પણ ઈજા વગર સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ કર્યા બાદ સિંહણના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે તેને બાબરકોટના એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી હતી.

બીજા બનાવની વિગત એવી છે કે, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વિરપુર ગામે ભાભલુભાઈ નાગભાઈ ધાખડાની વાડીમાં આવેલી જગ્યામાં સુવરનો શિકાર કરવા દોડેલી સિંહણ સુવર સાથે ખુલ્લા કૂવામાં ખાબકી હતી. આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા દલખાણીયા રેંજના સ્ટાફ અને રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી મોડી રાત સુધી કૂવામાંથી સિંહણને સલામત બહાર કાઢવાનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું, ત્યારબાદ સિંહણને આગળની તપાસ અને સારસંભાળ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular