Homeગુજરાતીગુજરાતગુજરાત સરકારની મહેસુલી કર્મચારી મંડળ સાથે વાટાઘાટ, બીજા દિવસે હડતાળ યથાવત

ગુજરાત સરકારની મહેસુલી કર્મચારી મંડળ સાથે વાટાઘાટ, બીજા દિવસે હડતાળ યથાવત

ગાંધીનગર, 9 ઓક્ટોબર, 2026 :  Gujarat government holds talks with revenue employees’ union  ગુજરાત મહેસૂલી કર્મચારી મહામંડળે પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કર્યા છે. માસ સી.એલ.ના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા 7 ઓક્ટોબરથી રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. બીજા દિવસે ગુરૂવારે પણ મહેસુલી કર્મચારીઓની હડતાળ યથાવત રહી છે. જ્યારે બીજીબાજુ  ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મહેસૂલ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં મહેસુલ કર્મચારી મંડળ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. અને સરકારે મહેસુલી કર્મચારીઓના વણઉકેલ્યા પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દાખવ્યું હતું.

 ગાંધીનગર ખાતે મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ  વિજય રાવલ, મહામંત્રી  પંકજ દેસાઈ, ઉપપ્રમુખ  પંકજ પરમાર, સંગઠન મંત્રી  સંજય પ્રજાપત અને ખજાનચી  રાજ એ. પટેલ સાથેની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારી મંડળની ગ્રેડ-પે અંગેની મુખ્ય માંગણી સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા મંડળ સાથે વિસ્તૃત વિગતો મેળવીને, રાજ્યના વિવિધ વિભાગો સાથે યોગ્ય સંકલન સાધીને પ્રશ્નોનો કાયમી અને દૂરોગામી ઉકેલ લાવવાનો અભિગમ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય જટિલતા કે પ્રશ્નો ઉપસ્થિત ન થાય.

 મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, જાહેર જનતાને દૈનિક કામગીરીમાં કોઈ અડચણ કે દખલ ન પડે તેમજ રાજ્યનું હિત જળવાઈ રહે તે હેતુથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે અત્યંત સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારના આ સકારાત્મક અભિગમને કર્મયોગી મંડળના અગ્રણીઓએ આવકારીને સંતોષ વ્યક્ત કર્યો છે.  ભવિષ્યમાં પણ કર્મચારી મંડળના આવા કોઈપણ પ્રશ્નો કે રજૂઆતો અંગે ચર્ચા-વિચારણા કરવા માટે રાજ્ય સરકાર હંમેશાં હકારાત્મક સંવાદ માટે તત્પર રહેશે અને તે માટે કમિટી સ્તરે નિયમિત સંવાદ જાળવવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 રાજ્ય સરકારના આ સકારાત્મક અને પ્રજાહિતલક્ષી અભિગમ બાદ કર્મચારી મંડળ અને સરકાર વચ્ચે સુમેળભર્યા વાતાવરણમાં ચર્ચા પૂર્ણ થઈ હતી.આ બેઠકમાં સેટેલમેન્ટ કમિશ્નર  આર્દ્રા અગ્રવાલ, મહેસૂલ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ મહેસૂલી કર્મચારી મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular