Homeગુજરાતીગુજરાતવન્યજીવ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્યની 9500 લોકોએ લીધી મુલાકાત

વન્યજીવ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્યની 9500 લોકોએ લીધી મુલાકાત

ગાંધીનગર, 10 ઓક્ટોબર, 2026 :  Wildlife Week સમાજમાં વન્યજીવ પ્રત્યે સંવેદનશીલતા લાવવાનો અને સમાજને વન્યજીવ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા દર વર્ષે ૨ જીથી ૮ઓક્ટોબર દરમિયાન દેશભરમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે  ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન ખાતે વિવિધ પ્રવૃતિઓનું આયોજન થયું હતું. આ વર્ષની વન્યજીવ સપ્તાહની ઉજવણીની થીમ  “Connecting Habitats, Thriving Wildlife” હતી. સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અભિયાન, માટીમાંથી વન્યજીવોના રમકડા બનાવવા, નિઃશુલ્ક નિદાન કેમ્પ, તાલીમ, સ્થળ મુલાકાત જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વન્યજીવ સપ્તાહ  દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન ખાતે  મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન ૯,૫૦૦ થી વધુ નાગરિકોએ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાનની મુલાકાત લીધી હતી.

ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે માટીમાંથી વન્યજીવોના સ્વરૂપના રમકડા બનાવવા જેવી સુંદર પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં બાળકોએ માટીના વિવિધ વન્યજીવોના સ્વરૂપના રમકડા બનાવતા શિખ્યા હતા.આ પ્રવૃત્તિમાં તમામ વયજૂથના ૨૦૦થી વધુ લોકો જોડાયા હતા અને ‘ગીર’ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન ૨૦૨૬ અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત હિંગોળગઢ અભયારણ્ય, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન ખાતે સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં ‘ગીર’ ફાઉન્ડેશનના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત સ્થાનિકોએ  જોડાઇને વન-વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો હતો. આ સામુહિક અભિયાનમાં ૨૪૫થી વધુ લોકોએ સાથે મળીને વન વિસ્તારોમાંથી ૪૪૬ કિલો જેટલો પાસ્ટિક વેસ્ટ એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કર્યો હતો.

ગોએન્કા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે નિઃશુલ્ક  નિદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું  હતું. સવારના ૮ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન મેડિકલ ટીમ દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવેલ મુલાકાતીઓને નિઃશુલ્ક હેલ્થ  ચેકઅપ અને  સારવાર અગે માર્ગદર્શન આપ્યું હતું. જેનો તમામ વયજૂથના ૪૦૦ થી વધુ મુલાકાતીઓએ  લાભ લીધો હતો.

વન્યજીવ સપ્તાહ દરમિયાન કોલેજના અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ફિલ્ડ એક્સપોઝર વિઝિટ અને તાલીમનું આયોજન કરાયું હતું.   અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, નર્મદા, નવસારી, મહેસાણા, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને વલસાડ જિલ્લાની શાળાઓના ઈકો ક્લબના  વિદ્યાર્થીઓ માટે ખાસ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને તેઓની આસપાસના વન્યજીવોનું મહત્વ અને તેના સંરક્ષણ અંગે સમજ અને માહિતી આપવામાં હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular