અમદાવાદ, 10 ઓક્ટોબર, 2026 : High Court comments on dumpers running during the day in Ahmedabad શહેરમાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થાપનના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ચીફ એક્ટિંગ જસ્ટિસની બેન્ચ દ્વારા શહેરમાં દિવસ દરમિયાન દોડતા ડમ્પરો, વાહનચાલકો દ્વારા ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ, તેમજ મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. તે અંગે ટકોર કરવામાં આવી હતી. હાઇકોર્ટની આ નવી બેન્ચ સમક્ષ સરકારી વકીલે સૌ પ્રથમ આ અરજીમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની વિગતો આપી હતી. તેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં TRB જવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનના મુદ્દે સુઓમોટો રિટની સુનાવણી દરમિયાન જસ્ટિસએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘દેશમાં કદાચ આપણે જ એકમાત્ર છીએ, જ્યાં અનેક લોકો હેલ્મેટ વિના વાહનો ચલાવે છે. બીજા રાજ્યોમાં વાહન ચાલક અને પાછળ બેસનારા બંને માટે હેલ્મેટ ફરજિયાત છે, તો ગુજરાતમાં તેનો અમલ કેમ થતો નથી? દર બીજા દિવસે ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચેના અકસ્માતોમાં લોકો જીવ ગુમાવે છે, જેમાં હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો વધુ ભોગ બને છે. આ ઉપરાંત રસ્તા પર દોડતા ડમ્પરો પર નંબર પ્લેટ પણ નથી હોતી, જે ગંભીર ચિંતાનો વિષય છે.
હાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, લોકો હેલ્મેટ પહેરતા નથી. બીજા રાજ્યમાંથી જજીસ ગુજરાત આવે છે, તો તેઓ પૂછે છે કે શું અહીં હેલ્મેટનો કાયદો નથી ? દરેક રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે. ટુ વ્હીલરની પાછળ બેઠેલા લોકો માટે હેલ્મેટ પહેરવાની વાત તો દૂર, વાહન ચાલક પણ હેલ્મેટ પહેરતા નથી! આ મુદ્દે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા હાઈકોર્ટે ટકોર કરી કે, ‘રસ્તા પર દર બીજી વ્યક્તિ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતી દેખાય છે. પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. હવે તો લોકો ચાલુ વાહને વીડિયો કૉલ કરે છે અને કારચાલકો ડેશબોર્ડ પર મોબાઈલ મૂકીને મૂવી જોતા જોતા ડ્રાઈવિંગ કરે છે. આ ટિપ્પણી કરીને હાઈકોર્ટે આવા તમામ જોખમી ટ્રેન્ડ તાત્કાલિક બંધ કરાવવા નિર્દેશ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટએ એવી ટકોર કરી હતી કે, શહેરમાં દિવસે ડમ્પરો ફરવા ઉપર પ્રતિબંધનો અમલ કરો. લોકો ચાલુ વાહને વાહનચાલકો મોબાઈલ ઉપર વાતો કરે છે, કારમાં બેસીને વિડિઓ કોલ કરે છે ચાલકોનું ધ્યાન ડ્રાઇવિંગમાં ક્યાંથી હોય? જેને લઈને અકસ્માતો સર્જાય છે. આ મુદ્દે વધુ સુનવણી બે અઠવાડિયા બાદ યોજાશે.


