વડોદરા, 13 ઓક્ટોબર, 2026 : Gold ornaments worth Rs. 8 crore stolen from jeweller’s shop શહેરના વાઘોડિયા રોડ પર નવા બનેલા જ્વેલર્સ શોપનું દશેરાએ ઉદ્ઘાટન કરવાનું હોવાથી મુંબઈથી કરોડોના સોનાના દાગીના મંગાવ્યા હતા. દાગીના જવેલર્સ શોપમાં મૂકીને વેપારી થોડીવાર માટે વોશરૂમ ગયો તે દરમિયાન માત્ર 12 જ મિનિટમાં સોનાના ઘરેણાં ભરેલી બે બેગ ગાયબ થઈ ગઈ હતી. મુંબઈના એક જાણીતા વેપારી સાથે રૂપિયા 8.28 કરોડની જંગી છેતરપિંડી અને ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, ડાકોરમાં જ્વેલર્સ ચલાવતા વેપારીએ વડોદરામાં વાઘોડિયા રોડ પર જ્વેલર્સની નવી શોપ શરૂ કરી હોવાનું કહી દશેરાના ઉદ્ઘાટન માટે મુંબઈથી કરોડોના સોનાના દાગીના મંગાવ્યા હતા. મુંબઈને વેપારી દાગીના નવી જ્વેલર્સ શોપમાં મૂકીને વેપારી થોડીવાર માટે વોશરૂમ ગયો તે દરમિયાન માત્ર 12 જ મિનિટમાં સોનાના ઘરેણાં ભરેલી બે બેગ ગાયબ થઈ ગઈ હતી. પોલીસ ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ મુંબઈના ઝવેરી બજારમાં આવેલી યુગન ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હિમાંશુ મહેશ જૈન ગુજરાતભરના વેપારીઓને સોનાના દાગીના સપ્લાય કરવાનું અને પેમેન્ટ ઉઘરાવવાનું કામ સંભાળે છે. ફરિયાદ અનુસાર, ડાકોરમાં સોનાની દુકાન ચલાવતા ભાવિકકુમાર દીપેશભાઈ સોની સાથે તેઓ વર્ષ 2017થી ધંધાકીય રીતે જોડાયેલા હતા. ભાવિક સોનીએ વડોદરાના વાઘોડિયા રોડ પર ઝવેરનગર પાસે આવેલા સાઈ ગણેશ કોમ્પ્લેક્સમાં ‘શ્રી અંબિકા જ્વેલર્સ’ નામે નવી દુકાન શરૂ કરી હોવાની વાત કરી હતી અને આગામી દશેરાના પર્વે શોરૂમના ઉદ્ઘાટન માટે મોટા પ્રમાણમાં દાગીનાની જરૂર હોવાનું જણાવી લિસ્ટ મોકલ્યું હતું.
ઓર્ડર મુજબ હિમાંશુ જૈન આશરે 5 કિલો અને 500ગ્રામ વજન ધરાવતા સોનાના અવનવા દાગીના, જેની અંદાજિત કિંમત ₹8,28,37,680 થાય છે, તે લઈને વડોદરા પહોંચ્યા હતા. દુકાનમાં દાગીના બતાવતી વેળાએ બપોરે જમવાનો સમય થતાં ભાવિક સોની અને હિમાંશુના ભાઈ નીલ જૈન બહાર જમવા જવા નીકળ્યા હતા. ભાવિક સોનીએ દાગીનાની બંને બેગ પોતાની દેખરેખ હેઠળ દુકાનમાં સુરક્ષિત રહેશે તેવી ખાતરી આપી હતી અને પોતે દુકાનને બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખી નીલ સાથે નીકળ્યો હતો. આ દરમિયાન હિમાંશુ વોશરૂમ તરફ ગયા હતા. હિમાંશુ જૈન વોશરૂમ પતાવીને આશરે 12 મિનિટ બાદ પરત ફર્યા ત્યારે દુકાનનું તાળું ખુલ્લું જોઈને ચોંકી ઉઠ્યા હતા. અંદર જઈને તપાસ કરતાં કરોડોના સોનાના દાગીના ભરેલી બંને બેગ ગાયબ હતી, જ્યારે અન્ય દાગીના ત્યાં જ પડ્યા હતા. આ ઘટના બાદ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતાં વાદળી રંગના સુઝુકી એક્સેસ જેવા સ્કૂટર પર આવેલા બે અજાણ્યા શખ્સો દુકાનમાંથી દાગીનાની બેગ લઈને પલાયન થતા નજરે પડ્યા હતા. બીજી તરફ, સાથે જમવા ગયેલો ભાવિક સોની પણ ત્યાંથી અચાનક રફુચક્કર થઈ ગયો હતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો.
આ સમગ્ર મામલે એસીપી જી.બી. બાભણીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર વેપારી હિમાંશુ જૈનની ફરિયાદના આધારે અંબિકા જ્વેલર્સના સંચાલક ભાવિક સોની વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દશેરાના તહેવારે દુકાન શરૂ કરવાના બહાને આશરે 5.5 કિલો સોનું મંગાવી આ પૂર્વઆયોજિત કાવતરું રચવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર આરોપી ભાવિક સોની અને બેગ લઈ જનારા બંને શખ્સોની ધરપકડ કરવા માટે 4 અલગ-અલગ ટીમો બનાવી વિવિધ સ્થળોએ દરોડા પાડવાની કાર્યવાહી તેજ કરી છે.


