રાજકોટ, 22 ઓક્ટોબર, 2026 : Aaji and Nyari dams will be filled with Narmada water શહેરમાં શિયાળાના આગમન પહેલા જ આજી ડેમ-1 અને ન્યારી ડેમ-1ના તળિયા દેખાવા લાગતા શહેરમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જોકે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગાંધીનગર સચિવાલયને પત્રો લખીને રજુઆતો કરીને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી આજી અને ન્યારી ડેમ ભરી દેવાની માગ કરી હતી. પણ નર્મદાની પાઈપલાઈનનું સમારકામ ચાલી રહ્યુ હોવાથી સરકારે પણ હાથ ઊંચા કરી દીધા હતા. હવે નર્મદા પાઈપલાઈન મરામતનું કામ પૂર્ણ થતાં બે દિવસમાં જ સૌની યોજનાથી નર્મદાના નીરથી આજી-1 અને ન્યારી-1 ડેમ ભરી દેવામાં આવશે. તેથી દિવાળીના તહેવારો પર શહેરીજનોને પુરતપં પાણી મળી રહેશે.
રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ જળસંકટ તોળાઈ રહ્યું છે. ખાસ તો, છેલ્લા કેટલાક દિવસોથી સૌની યોજનાના નીર પણ જળાશયોમાં છોડવાનું બંધ કરાયું હતું. જોકે હવે રાજકોટ પરથી જળસંકટ ટળશે અને નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થતાં એકાદ-બે દિવસમાં આજી અને ન્યારીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા સિંચાઈ વિભાગે સંકેત આપ્યા છે. એકાદ-બે દિવસમાં જ શહેરને પાણી પુરૂ પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજના થકી નર્મદાનીર છોડવાનું શરૂ કરી દેવાશે.
આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અને હાલમાં રાજકોટનાં આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા માટે તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આગામી એકાદ બે દિવસમાં જ મનપા તંત્રની માંગ અનુસાર પાણી છોડવાની શરૂઆત કરી દેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં લગભગ જાન્યુઆરી સુધી રાજકોટને પુરૂ થાય તેટલુ પાણી પ્રથમ આપી દેવાશે.


