સુરેન્દ્રનગર, 06 નવેમ્બર, 2026 : Food department checks 60 sweet shops પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને પ્રારંભ થઈ ગયો છે. દિવાળી ટાણે શહેરીજનોને શુદ્ધ મીઠાઈ મળી રહે તે માટે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફુડ વિભાગની ટીમોએ 60 જેટલી વેપારી પેઢીઓ પર સર્ચની કામગીરી હાથ ધરીને આરોગ્ય માટે હાનિકારક અને વાસી જણાતાં 80 કિલો જેટલી મીઠાઈ તેમજ ફરસાણનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરમાં મીઠાઈ અને ફરસાણની દૂકાનો તેમજ ખાદ્ય તેલ વેચતી વેપારી પેઢીઓને ત્યાં ફુડ અને ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરવામાં આવી હતી ફૂડ સેફ્ટી અધિકારીઓએ શંકાસ્પદ ખાદ્યપદાર્થોના 97 જેટલા વિવિધ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. તદુપરાંત, નિયમોનું પાલન ન કરતી અને અશુદ્ધ સામગ્રી ધરાવતી વેપારી પેઢીઓ પાસેથી કુલ રૂ. 29,949ની કિંમતનો 171 કિલો મીઠાઈનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સંબંધિત ખામીઓ મળી આવતાં 10 જેટલી પેઢીઓને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી છે.
ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી સઘન બનાવવા માટે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (મોબાઈલ વાન)નો ઉપયોગ કરીને સ્થળ પર જ 40 જેટલા ખાદ્ય નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા સુરેન્દ્રનગર અને ચોટીલા વિસ્તારના 200થી વધુ વેપારીઓને ફૂડ સેફ્ટી અને હાઈજીનના નિયમો અંગે વિશેષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના જાણીતા મહેતા માર્કેટમાં પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. માર્કેટમાં આવેલી ખાદ્યતેલની વિવિધ દુકાનોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તહેવારોની સિઝનમાં ભેળસેળયુક્ત ખાદ્યચીજોનું વેચાણ અટકાવવા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.








