અમદાવાદ, 07 નવેમ્બર,2026 : AMC’s food department checked, 27 samples of ghee, mawa, paneer found uncertified શહેરમાં દિવાળીના તહેવારોમાં ખાદ્ય ચિંજ વસ્તુઓમાં ભેળસેળ થતી રોકવા માટે એએમસીના ફુડ વિભાગ દ્વારા હાલ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અને ભેળસેળ કરનારા વેપારીઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા છેલ્લા એક મહિનામાં ખાદ્ય ચિજ-વસ્તુના નમુના લઈને તેના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. જેમાં ઘી, માવા, પનીર, બટર, સોસ સહિતના 27 ખાદ્યપદાર્થોના નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. 1 ઑક્ટોબરથી 2 નવેમ્બર, 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં કુલ 841 નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા 19 ખાદ્ય ધંધાકીય એકમો સામે સીલિંગ અને ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.
એએમસીના ફુડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-2006 હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ કરતાં એકમોમાં તપાસ કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં કુલ 2,226 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસમાં 660 એકમોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 11.28 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓમાં દૂધ અને દૂધની બનાવટો, અલગ અલગ પ્રકારની મીઠાઈ, ફાફડા-જલેબી, નમકીન, બેસન-લોટ, ખાદ્યતેલ, મસાલા સહિતના ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. અપ્રમાણિત જાહેર થયેલા નમૂનાઓમાં ઘી, બટર, ટોમેટો સોસ, દાબેલી, પફ, પનીર, માવો, મેથી, મીઠો માવો સહિતના ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. ચેકિંગ દરમિયાન કેટલાક એકમોમાં ખાદ્યપદાર્થો તળવા માટે વપરાતા તેલમાં TPCનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ગાંઠિયા એકમમાં TPCનું પ્રમાણ 32 નોંધાયું હતું, જ્યારે નારણપુરાના પલ્લવનગર સોસાયટી વિસ્તારમાં આવેલા માં ભજીયા-પકોડા એકમમાં TPCનું પ્રમાણ 27.5 નોંધાયું હતું. આ બંને એકમો સામે પગલાં લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત માન્ય FSSAI લાઇસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવું, અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન થવું, સોસ બનાવવામાં વપરાતા મટિરિયલમાં વિસંગતતા અને વપરાયેલા તેલના નિકાલ માટે માન્ય કોન્ટ્રાક્ટ ન હોવા જેવા કારણોસર પણ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વટવામાં આવેલા ભારત ફૂડ એકમ સામે અગાઉ લેવાયેલા સોસના ત્રણ નમૂના અપ્રમાણિત જાહેર થયા હોવાના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં ચેકિંગ દરમિયાન કુલ 1,345 કિલોગ્રામ અને 1,289 લિટર ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 614 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા.








