અમદાવાદ, તા 9 નવેમ્બર, 2026 : 26 fire incidents reported till 10 pm on Diwali night શહેરમાં દિવાળીની રાત્રે મોટાપ્રમાણમાં ફટાકડા ફૂટતા ધુમાડાના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી ગઈ છે. ધુમાડાના કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પણ વધારો થયો હતો. ફટાકડાને કારણે રાતના 10 વાગ્યા સુધીમાં 26 બનાવો બન્યા હતા. શહેરના પૂર્વ-પશ્ચિમ ઝોનમાં ઘોડાસર, વાસણા, બોપલ, નવરંગપુરા, નિકોલ સહિતના વિસ્તારોમાં આગ લાગી હતી. મોટાભાગના કિસ્સામાં ફટાકડાના તણખાથી કચરા, બંધ મકાનોની ગેલેરી અને ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે વિવિધ વિસ્તારોમાંથી આગ લાગવાના રાતના 10 વાગ્યા સુધીમાં કુલ 26 કોલ ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને મળ્યા હતા. એટલે રાતભર ફાયર વિભાગના કંન્ટ્રોલરૂમની ઘંટડીઓ સતત રણકતી રહી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં અલગ-અલગ સ્થળોએ લાગેલી આ આગની ઘટનાઓમાં ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ મોટાભાગના બનાવો ફટાકડાના તણખા પડવાથી કચરાના ઢગલા, બંધ મકાનોની ગેલેરી અને ખુલ્લા પ્લોટમાં બન્યા હતા, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
શહેરમાં દિવાળી પર્વને લીધે અગ્નિશામક ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. રાત્રિના સમયે લોકો દ્વારા આતશબાજી શરૂ થતાં જ કંટ્રોલ રૂમમાં કોલ આવવાનો સિલસિલો શરૂ થયો હતો. મોડી રાત 10 વાગ્યા સુધીમાં કુલ 26 સ્થળોએ આગ લાગી હોવાના મેસેજ મળ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમમાંથી તાબડતોબ જે-તે વિસ્તારના નજીકના ફાયર સ્ટેશનની ગાડીઓને રવાના કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગની આગ એવા સ્થળોએ લાગી જ્યાં લોકોએ અગાશી કે બાલ્કનીમાં નકામો ભંગાર અથવા કાગળના પૂંઠા રાખ્યા હતા. આકાશમાં ઊંચે જઈને ફૂટતા રોકેટ અને હવાઈ ફટાકડા સીધા સુકા કચરા કે કપડાં પર પડતાં આગ પકડી લેતી હતી. બંધ મકાનોની ગેલેરીમાં પડેલા ગાદલા-ગોદડાં પણ ઝડપથી આગની લપેટમાં આવ્યા હતા.








