ભાવનગર, 11 નવેમ્બર,2026 : A massive fire broke out in a plastic factory શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર કાફલો લાયબંબા સાથે દોડી આવ્યો હતો. ફાયર ફાયટરોએ પાણીનો સતત મારો ચલાવીને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના કારણે ફેક્ટરીમાં રાખેલો મોટો પ્લાસ્ટિકનો જથ્થો તથા રો-મટીરિયલ બળીને ખાક થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડની ટીમે સમયસર કામગીરી કરી આગ પર કાબૂ મેળવતાં મોટી જાનહાનિ ટળી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્મશાન પાછળ શૈલેષભાઈ જોગીની માલિકીની પ્લાસ્ટિક પ્રોડક્શન ફેક્ટરી આવેલી છે. ગત રોજ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આગ લાગ્યાની ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર બ્રિગેડની અલગ-અલગ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ બે કલાકથી વધુ સમય સુધી સતત કામગીરી કરી અંદાજે 36 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવ સમયે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, પ્લાસ્ટિક અને રો-મટીરિયલ બળીને ખાક થઈ જતાં માલિકને રૂ.2.5 લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.








