અમદાવાદ, 21 નવેમ્બર, 2026 : Two people caught with fake notes worth lakhs of rupees શહેરના સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા પર છટકું ગોઠવીને શહેરની ઘાટલોડિયા પોલીસે લાખો રૂપિયાની નકલી નોટ્સ સાથે બે શખસોને દબોચી લીધા હતા. અગાઉ આ ચીટર શખસોએ નાગપુરથી આંગડિયામાં પૈસા મંગાવનાર વેપારીને રૂપિયા 40 લાખની નકલી નોટો આપી હતી. વેપારી સાથે ઠગાઈ બાદ વેપારીએ પોલીસ સાથે મળી ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપમાં અમદાવાદમાં આંગડિયાના પૈસા મંગાવવામાં આવ્યા હતા. પૈસા લઈને આવેલા બે ચીટર શખસોને નકલી નોટો સાથે દબોચી લેવાયા હતા. આરોપીઓ 5 હજારના કમિશન માટે નકલી નોટો આપતા હતા. આ કેસમાં અન્ય 3 આરોપીની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે ઘાટલોડિયા પોલીસે પાંચ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ઊંઝાના બી.બી. ટ્રેડર્સના વેપારી રોહિતકુમાર પટેલ કે જેઓ જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. નાગપુરથી વેપારના રૂપિયા 40 લાખ મંગાવવા માટે ઊંઝાના વેપારીએ ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન ગઈ તા. 17 નવેમ્બરે બે શખસો બેંકની પટ્ટી મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા. બંડલની બહાર બેંકની પટ્ટી હોવાથી વેપારીને ચલણ અસલી હોવાની ખાતરી થઈ હતી. બીજી તરફ નાગપુર ખાતે રૂપિયા 40 લાખનું પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું હતું. પરંતુ થેલો ખોલતાં જ આખો ખેલ સામે આવ્યો હતો. અંદર એકપણ અસલી નોટ નહોતી. તમામ બંડલમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી રૂપિયા 500ની દરની નકલી નોટો હતી. વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી થઈ હોવાથી મામલો પોલીસ સુધી પહોચ્યો હતો.
ઊંઝાના વેપારીએ ચીટર શખસોને પકડવા માટે યુક્તિ અજમાવી હતી. અને ફરી નાગપુરથી અમદાવાદમાં ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલને પેમેન્ટ મોકલવાનું નાટક રચવામાં આવ્યું હતું. આ વખતે ચીટર ગેંગને લાગ્યું કે અગાઉની જેમ જ બંડલ પહોંચાડી કમિશન મેળવી શકાશે. એટલે તા. 19 નવેમ્બરે બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરી પેમેન્ટ લઈ આવી ગયા હોવાની જાણ કરી હતી. આ ફોન જ પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવાની કડી બન્યો હતો.
ઊંઝાના વેપારી એવા ફરિયાદીએ તરત જ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા પર છટકું ગોઠવ્યું હતું. આરોપીઓ નોટોના બંડલ બતાવવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. આમ, બીજી વખત એ જ ખેલ પાડવા આવેલા બંને શખસો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 5 હજારના કમિશન માટે ઠગાઈ કરનાર પોલીસે પકડેલા આરોપીની ઓળખ દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા તરીકે થઈ છે.
ઘાટલોડિયા પોલીસે બન્ને ચીટર શખસોની પૂછતાછ કરતા એવી વિગતો મળી છે કે, નોઈડામાં રહેતા ગજાનંદ શર્માએ ‘ધનરાજ’ નામના શખસ સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે ‘વરુણ’ નામના શખસે બંને આરોપીને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ બંડલ અમદાવાદ પહોંચાડવા બદલ બંનેને ₹ 5-5 હજાર કમિશન અને રેલવે ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી. એટલે કે, નકલી નોટો તૈયાર કરનારા કે સમગ્ર ખેલના સૂત્રધારો પાછળ રહીને અન્ય લોકોને બંડલ પહોંચાડવાની જવાબદારી સોંપતા હોવાની વિગતો સામે આવી છે.








