Homeગુજરાતીગુજરાતઅમરેલી નજીક હાઈવે પર ST બસની અડફેટે બાઈકસવાર પતિ-પત્ની, બે બાળકો સહિત...

અમરેલી નજીક હાઈવે પર ST બસની અડફેટે બાઈકસવાર પતિ-પત્ની, બે બાળકો સહિત 5ના મોત

અમરેલી, 21 નવેમ્બર, 2026 :  5 people including a biker couple and two children killed after being hit by an ST bus  રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં 5ના મોત નિપજ્યા હતા. જેમાં બાઈકસવાર પતિ-પત્ની અને બે બાળકો તેમજ એસટી બસનાચાલકનું પણ મોત નિપજ્યું હતુ. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક મંદિર પાસે એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એસટી બસ રસ્તા પરથી ઉતરી ખાળિયામાં પડી હતી. આ અકસ્માતમાં બાઈકસવાર પતિ-પત્ની અને બે બાળકો તેમજ એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળા સહિત 5ના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતની ગંભીરતાને પગલે ઘટનાસ્થળે અફરાતફરી અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામના સોલંકી પરિવારના પતિ-પત્ની બે બાળકો સાથે બાઈક પર સવાર થઈને સાવરકુંડલા જઈ રહ્યા હતા. તે દરમિયાન સાવરકુંડલાથી અમરેલી તરફ જતી એસટી બસ સાથે અકસ્માત થયો હતો. જેમાં સોલંકી પરિવારના બાઈકચાલક પતિ અને બન્ને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીરઈજાગ્રસ્ત હાલતમાં પત્નીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. બે માસૂમ બાળકો સહિત દંપતિએ જીવ ગુમાવતાં સોલંકી પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. પાછળ વિલાપ કરનારું પણ કોઈ બચ્યું નથી.

આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. સાવરકુંડલાના ડેપો મેનેજર વિમલ નથવાણીયાએ જણાવ્યું હતું કે, અમરેલી સાવરકુંડલા રૂટ ની બસ હતી અને શેત્રુંજી નદીના પુલ પાસે અકસ્માત થયો છે.  ST ડ્રાઇવરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને આગળની કાર્યવાહી એસટી વિભાગ હાલ કરી રહ્યું છે.

 આ અકસ્મતાના બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  અકસ્માતની જાણ થતાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહીતના નેતાઓ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જ્યારે આ મામલે અમરેલી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img