Homeગુજરાતીગુજરાતઆમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ તમામ પદ પરથી આપ્યું રાજીનામું

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ તમામ પદ પરથી આપ્યું રાજીનામું

અમદાવાદ, 27 એપ્રિલ 2026: AAP’s state general secretary Sagar Rabari resigned  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી પ્રદેશના મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ છે. સાગર રબારીના રાજીનામાંથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવતા હતા.

સાગર રબારી ખેડૂતો અને શ્રમિકોના પ્રશ્ને સતત લડત આપતા આવ્યા છે. રાજુ કરપડા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી વધુ એક દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે. સાગર રબારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, ‘હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું. સહયોગ બદલ સહુ સાથીઓનો હૃદયપૂર્વક આભાર.વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે.

સાગર રબારી ખેડૂતો, કૃષિ અને જમીનસંપાદન સંલગ્ન સમસ્યાઓને લઈને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જે પૈકી કેટલાક આંદોલનોમાં સરકાર સામે જીત પણ થઈ હતી. સાગર રબારીએ અર્થશાસ્ત્ર વિષય સાથે બૅચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કોર્સ પણ કર્યો છે. રબારી રાજકીય પક્ષ સાથે જોડાયા પણ આંદોલનની રાજનીતિથી તેમની કારકિર્દી શરૂ થઈ હતી. 1984માં સાગર રબારી ગુજરાતના જાણીતા કર્મશીલ ચુનીભાઈ વૈદ્ય સાથે ગુજરાત લોકસમિતિમાં જોડાયા હતા અને 2012 સુધી જોડાયેલા રહ્યા હતા. મહુવામાં નિરમાના સિમેન્ટના પ્લાન્ટ વિરુદ્ધ થયેલા ખેડૂત આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ડૉ. કનુભાઈ કલસરિયા કેટલાંક વર્ષો સુધી સાગર રબારીના આંદોલનના સાથી રહ્યા છે.

સાગર રબારીએ થોડાક જ દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટી સામે પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પ્રજાને દબાવવાની અને ડરાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ તેના વિપરીત, લોકો હવે આમ આદમી પાર્ટી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઈન્સ્ટાગ્રામ આઇડી અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જતા તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપ, આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે.

સંબંધિત લેખો

Most Popular