- આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં 134 તાલુકામાં પડ્યો વરસાદ,
- 12 જિલ્લામાં વરસાદની આગાહી પણ મેધરાજાએ એકંદરે લીધો વિરામ,
- બે-ત્રણ દિવસમાં મેઘરાજા વિધિવત વિદાય લેશે
અમદાવાદઃ શહેરમાં આજે સવારે આકાશમાં વિજળીની ગર્જના થતાં જ વરસાદ તૂટી પડશે એમ લાગતું હતું પણ ત્યારબાદ સૂર્ય નારાયણે દર્શન દેતા લોકોએ રાહત અનુભવી હતી. દરમિયાન ગુજરાતમાં આજે બપોર સુધીમાં 6 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જેમાં કલોલ, ગાંધીનગર,સાણંદ, તલોદ વિજાપુર, અને ઓલપાડમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સોમવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં 3.77 ઈંચ અને જૂનાગઢમાં 3.58 ઈંચ, બોટાદના ગઢડામાં 3.26 ઈંચ, તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડા 2.9 ઈંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં આજે સોમવારે વહેલી સવારે એસજી હાઇવે અને એસપી રિંગ રોડ તરફના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા થયા હતા. સવારે 6:30 વાગ્યાથી આકાશમાંથી જોરદાર ગાજવીજ થતાં લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો. લોકો ઘરની બહાર આવી આકાશ તરફ જોતા હતા અને હમણાં જોરદાર વરસાદ તૂટી પડશે તેવું અનુમાન લગાવી રહ્યા હતા. જો કે, 8 વાગ્યે આકાશ સાફ થતા સૂર્ય નારાયણે દર્શન આપ્યા હતા અને તડકો જોવા મળ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં આજે કાળા ડિંબાગ વાદળો છવાયા હતા, અને આજે બપોરના 12 વાગ્ય સુધીમાં કલોલ, ગાંધીનગર, સાણંદ, તલોદ અને વિજાપુરમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા તેમજ સુરતના ઓલપાડમાં પણ વરસાદના ઝાપટા પડ્યા હતા. આજે કેટલાક છુટા છવાયા વરસાદી વાદળોને કારણે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જોકે બપોર સુધીમાં 6 સ્થળોએ વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ ત્રણ-ચાર દિવસમાં મેઘરાજા ગુજરાતમાંથી વિધિવતરીતે વિદાય લેશે.