1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઉનાળું વેકેશનને લીધે અટલ બ્રિજ, ફલાવર પાર્કના સમયમાં વધારો કરાયો
અમદાવાદમાં ઉનાળું વેકેશનને લીધે અટલ બ્રિજ, ફલાવર પાર્કના સમયમાં વધારો કરાયો

અમદાવાદમાં ઉનાળું વેકેશનને લીધે અટલ બ્રિજ, ફલાવર પાર્કના સમયમાં વધારો કરાયો

0
Social Share

અમદાવાદ, 24 મે, 2026 : Opening hours of Atal Bridge and Flower Park extended શહેરના અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક સહિત હરવા-ફરવાના સ્થળોએ ઉનાળું વેકેશનને કારણે લોકોની ભીડ  સતત વધી રહી છે. અસહ્ય ગરમીના કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકોની ભીડ રિવરફ્રન્ટ પર જામતી હોય છે. નાગરિકો, બાળકો અને પ્રવાસીઓની આ ભારે ભીડ અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના સૂત્રોના કહેવા મુજબ શહેરના અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્ક માટે હવે રાત્રે 11 વાગ્યા સુધી ટિકિટ મળી શકશે. પ્રવાસીઓ હવે મધરાત્રિના 12 વાગ્યા સુધી આ સ્થળો પર સમય વિતાવી શકશે. સમય વધારાનો આ નવો નિર્ણય આવતી કાલે સોમવાર, 25 મે 2026 થી લાગુ થશે. જો કે હાલમાં બ્રિજની કામગીરી ચાલતી હોવાથી સાબરમતી નદીમાં પાણી નથી, જે પ્રવાસીઓ માટે નિરાશાજનક પાસું છે. સાબરમતી રિવરફ્રન્ટ હેઠળના તમામ ગાર્ડન અને લોકેશન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવતા હતા. પરંતુ હવે વેકેશનના કારણે અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્ક ખાતે મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહત્તમ લોકો રાત્રિના ઠંડા વાતાવરણમાં આ સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે તંત્રએ આ ત્રણેય મુખ્ય આકર્ષણોનો સમય 1 કલાક વધારીને મધરાત્રિના 12 વાગ્યા સુધીનો કર્યો છે.

શહેરની સાબરમતી નદી હાલ ખાલીખમ છે. હાલમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલી બ્રિજની કામગીરીને કારણે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે નદી અત્યારે સાવ ખાલીખમ પડી હોવાથી ખાસ કરીને અટલ બ્રિજ પર જતા લોકોને નદીનો એ અસલી અને આકર્ષક નજારો જોવા મળી રહ્યો નથી. આમ છતાં, રાત્રિના સમયે રોશની અને ઠંડકનો આનંદ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code