મહેસાણા, 8 જુન 2026 : BJP corporator commits suicide by jumping under train જિલ્લાના વિસનગરમાં ભાજપના વોર્ડ નંબર-1ના નગરસેવક દીપક મોદીએ આજે સવારે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરતા શહેરમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દીપકભાઈના પરિવારજનો અને શહેર ભાજપના કાર્યકર્તાઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. દીપકભાઈ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના વોર્ડ નંબર-1માં બિન હરિફ ચૂંટાયેલા નગરસેવક દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને નગરપાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 54 વર્ષના દીપક મોદી એક સેવાભાવી અને સક્રિય વ્યક્તિત્વ ધરાવતા અગ્રણી હતા, તેઓ RSSના સભ્ય તરીકે પણ જોડાયેલા હતા. તેમના પરિવારમાં એક દીકરી અને બે દીકરા એમ કુલ ત્રણ સંતાન છે. દીપકભાઈ મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે જોડાઈને મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની ભારતીબેન મોદી કાંસા.એન.એ પંચાયતમાં સભ્ય તરીકે સેવા કરી ચૂક્યા છે.


