વિદેશમાં ભણવા માટે વિદ્યાર્થીઓમાં ક્રેઝ ઘટતા એજ્યુકેશન લોનમાં પણ 14 ટકાનો ઘટાડો
અમદાવાદ, 28 જુન 2026 : Education loans see a 14% drop as the craze for studying abroad wanes among students ગુજરાતમાંથી વિદેશમાં ભણવા માટે જવાનો સૌથી વધુ ક્રેઝ હતો. વિદ્યાર્થીઓને વિદેશમાં ભણીને ત્યાં જ નોકરીમાં સ્થાયી થવાના સ્વપ્ન હતા. ઘણાબધા વિદ્યાર્થીઓ વિદેશમાં ભણીને ત્યા જ સ્થાયી થયા છે. હવે સ્થિતિ એવી છે કે, અમેરિકા, કેનેડા અને ઓસ્ટેલિયા સહિત દેશોમાં વિઝાના નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. તદઉપરાંત વિદેશમાં નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ બધા કારણોને લીધે વિદેશમાં ભણવા જવાનો વિદ્યાર્થીઓમાં ક્રેઝ ઘટી ગયો છે. તેથી એજ્યુકેશન લોન લેવામાં પણ 14 ટકાનો ઘટાડો થયો છે.
વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતાં ગુજરાતી વિદ્યાર્થીઓ માટે હવે અમેરિકા અને કેનેડા જેવા પરંપરાગત દેશો પ્રથમ પસંદગી રહ્યાં નથી. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ગુજરાતનાં તાજેતરના સત્તાવાર અહેવાલ મુજબ, વિદેશી ધરતી પર ઇમિગ્રેશન અને વિઝાના નિયમો અત્યંત કડક અને ચુસ્ત બની જતાં ચાલું શૈક્ષણિક વર્ષમાં ગુજરાતમાંથી એજ્યુકેશન લોન લેવાનાં પ્રમાણમાં 14 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વિદેશી સરકારોની બદલાતી નીતિઓએ વૈશ્વિક શિક્ષણનાં પ્રવાહને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ મુજબ બેંકો દ્વારા વર્ષ 2025-26ના ગાળામાં કુલ 22,116 એજ્યુકેશન લોન ખાતાઓ મારફતે રૂ. 1,786 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. જે તેનાં અગાઉનાં વર્ષના 22,419 લોન ખાતાઓ અને રૂ. 2,078 કરોડની સરખામણીએ આર્થિક રીતે મોટો ઘટાડો દર્શાવે છે. બેંકિંગ ક્ષેત્રનાં સૂત્રોનું કહેવું છે કે, વિઝા મળવાની અનિશ્ચિતતાને કારણે જે વિદ્યાર્થીઓની લોન મંજૂર થઈ ગઈ હતી, તેમાંથી પણ અનેક વિદ્યાર્થીઓએ કાં તો વિદેશ જવાનો પ્લાન લંબાવ્યો છે અથવા તો એડમિશન જ કેન્સલ કરાવી દીધાં છે. આ સ્થિતિને લીધે કરોડો રૂપિયાની મંજૂર થયેલી લોન બેંકોમાં વણવપરાયેલી પડી રહી છે. બીજી તરફ, ફોરેન એજ્યુકેશન ક્ધસલ્ટન્ટ્સના મતે છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીએ આ વખતે માર્કેટમાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે વિદેશ જવાનો પીક સમય હતો, તેની સરખામણીમાં આજે યુએસ અને કેનેડા માટેની પૂછપરછમાં અંદાજે 70 ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. હવે ગુજરાતી વિદ્યાર્થીઓ જર્મની, યુકે, માલ્ટા, ઇટાલી અને ફિનલેન્ડ જેવા દેશોને વધુ પસંદ કરી રહ્યાં છે. આ દેશો આકર્ષક બનવાનું મુખ્ય કારણ ત્યાંની ઓછી ટ્યુશન ફી અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ ગણાતાં ઇમિગ્રેશન નિયમો છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયાનાં અવમૂલ્યનને કારણે વિદેશી શિક્ષણ મોંઘું બન્યું હોય, પરંતુ વિદ્યાર્થીઓ હવે સસ્તા અને આર્થિક રીતે પરવડે તેવા દેશો પસંદ કરી રહ્યાં હોવાથી બેંકો પાસેથી લેવાતી સરેરાશ લોનનું કદ પણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.


