ગાંધીનગર, 11 સપ્ટેમ્બર, 2026 : Family DNA samples collected to identify 30 missing Gujaratis in Nepal નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ગૂમ થયેલા ગુજરાતનાં વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ડીએનએ (DNA) સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, કુલ 30 લોકો નેપાળમાં પૂર પછી સંપર્ક વિહોણા છે. આ 30 લોકોમાંથી 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પૂર્ણ કરી છે. બાકી રહેલા એક કેસમાં પણ પ્રક્રિયા ચાલી રહી છે. એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અચાનક આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામેલા લોકોના મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરી શકાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નેપાળ પૂરમાં ગુમ થયેલા ગુજરાતનાં વતનીઓ તેમજ વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની પડખે ઉભી છે અને તેમના પરિવારજનો અને સગાસંબંધીઓને જરૂરી તમામ સહાય અને સહકાર મળી રહે તે સુનિશ્ચિત કર્યું છે.
સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) દ્વારા DNA સેમ્પલ એકત્ર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ગુમ થયેલા લોકોની ઓળખ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં પરિવારોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છે.


