Homeગુજરાતીગુજરાતધરતીને જીવંત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે: રાજ્યપાલ

ધરતીને જીવંત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે: રાજ્યપાલ

પાટણ, 11 સપ્ટેમ્બર, 2026 : Governor’s advocacy for natural farming તાલુકાના મહેમદપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વિકસાવવામાં આવેલા ‘રામુ મોડલ ફાર્મ’ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલએ ફાર્મમાં અમલમાં મૂકાયેલી મિશ્ર પાક પદ્ધતિ, આચ્છાદન, ઘન જીવામૃત, બીજામૃત તથા દશપર્ણી અર્કની નિર્માણ પદ્ધતિ અને તેની ઉપયોગિતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

પ્રગતિશીલ ખેડૂત  કાંતિભાઈ મૂળજીભાઈ પટેલ અને  પ્રમોદભાઈ પટેલ દ્વારા ૦૩ વીઘા વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ ‘રામુ મોડલ ફાર્મ’માં છેલ્લા સાત વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન પટેલ પરિવારના પાંચ ભાઈઓએ આ પ્રાકૃતિક ફાર્મનું નિર્માણ કરી મિશ્ર પાક પદ્ધતિને અપનાવી એક પ્રેરણાદાયી મોડલ ઊભું કર્યું છે. ફાર્મમાં આમળા, ચીકુ, જામફળ, શેરડી સહિતના વિવિધ પાકો અને કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે.

રાજ્યપાલની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાનીઓ તથા ‘આત્મા’ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવામૃત બનાવવાની પ્રક્રિયાનું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજી ખેડૂતોને તેના ઉપયોગ અને મહત્વ અંગે પ્રત્યક્ષ સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે જણાવ્યું હતું કે, હરિત ક્રાંતિના સમયમાં ડૉ. સ્વામિનાથનના અહેવાલ મુજબ દેશની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૨ થી ૨.૫ ટકા જેટલું હતું અને પ્રતિ હેક્ટર માત્ર ૧૩ કિલો નાઈટ્રોજન આપવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, સમય જતાં યુરિયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા અને તેની કુદરતી જીવંતતા ઉપર વિપરીત અસર થઈ છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટે છે તે માન્યતા બિલકુલ ખોટી છે. ગુજરાતમાં આજે ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને અનેક ખેડૂતોના અનુભવો દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા સાથે ઉત્પાદનક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular