1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં પેટ્રોલ વહન કરતી ભૂગર્ભ લાઈન પર ઊભેલી કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ
કચ્છમાં પેટ્રોલ વહન કરતી ભૂગર્ભ લાઈન પર ઊભેલી કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ

કચ્છમાં પેટ્રોલ વહન કરતી ભૂગર્ભ લાઈન પર ઊભેલી કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ

0
Social Share

ભૂજ, 25 ફેબ્રુઆરી 2026:  કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના આડેસર પાસે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોલસા ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ બનાવની ગંભીરતા એ હતી કે, જ્યાં કોલસા ભરેલી ટ્રક સળગી રહી હતી, તેની બરાબર નીચેથી જ જમીનમાં પેટ્રોલિયમની મુખ્ય પાઈપલાઈન પસાર થતી હતી. જો આગ ફેલાય અથવા વિસ્ફોટ થાય તો નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી.આશરે 4 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

આ બનાવની વિગત એવી હતી કે, કચ્છમાં આગ લાગવાના બે બનાવો બન્યા હતા. જેમાં કચ્છના  પ્રવેશદ્વાર આડેસર પાસે  કોલસા ભરેલી ટ્રકમાં અને ભચાઉ નજીક દાડમના પાકમાં આગ લાગી હતી. આડેસર પાસે એક કોલસો ભરેલી ટ્રકમાં ધુમાડા દેખાતા હતા. ધીમે ધીમે  કોલસામાં આગ પકડી લીધી હતી. ટ્રકના ચાલકને આગ લાગ્યાની જાણ થતાં જ ટ્રકને રોડ સાઈટમાં ઉતારીને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આથી રાપર નગરપાલિકાનાં ફાયર ફાઈટર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને સતત પાણી મારો ચલાવી ને આગ બુઝાવવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. જયા આગ લાગી ત્યાં રોડની નીચે પેટ્રોલની લાઈન પસાર થતી હતી. અગ્નિશમન દળની  ટુકડીએ પેટ્રોલની લાઈનને સુરક્ષિત રાખીને  આગ પર ચાર કલાકની મહેનત બાદ કાબૂ મેળવ્યો હતો.

જ્યારે આગનો બીજા બનાવ ભચાઉના વાડી વિસ્તારમાં બન્યો હતો. હેવી વીજલાઈનમાં  શોર્ટ સર્કીટ થતા  નીચે દાડમના પાકમાં આગ લાગી હતી. ભચાઉ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને  આગને કાબુમાં લીધી હતી.

ભચાઉના વાડી વિસ્તારમાં આવેલી દાડમની ખેતી પરથી પસાર થતી હેવી વીજ લાઈનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે જોરદાર સ્પાર્ક થયો હતો. આ તણખા નીચે પડેલા સુકા ઘાસ અને દાડમના છોડ પર પડતા જોતજોતામાં આગ ફેલાઈ હતી. પાકને લપેટમાં લેતી આગને જોઈને સ્થાનિકોએ ભચાઉ ફાયર વિભાગને જાણ કરી હતી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code