
- કેસુડાના ફુલો ઐષધિય ગુણોથી ભરપૂર છે
- કચ્છના તેમજ ગાંધીનગર અને અંબાજી વિસ્તારમાં કેસુડા ખીલી ઊઠ્યા
- પાનખર ઋતુમાં કેસુડાના પાન ખરી જાય પછી ફૂલો ખીલે છે
અમદાવાદઃ પ્રાચીન સાહિત્ય પ્રમાણે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છ અલગ અલગ ઋતુઓ હોય છે. ઋતઓમાં વસંત ઋતુરાજ ગણાય છે. વસંતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રકૃતિના સૌંદર્યનો એવો વૈભવ બીજી ઋતુમાં જોવા મળતો નથી. ફાગણ માસની શરૂઆત સાથે પ્રકૃતિએ પોતાનો રંગીન શણગાર સજ્યો છે. કેસુડાના વૃક્ષો પર કેસરી રંગના ફૂલો ખીલી ઊઠ્યા છે. સ્થાનિક ભાષામાં રોયડો અથવા ખાખરો તરીકે ઓળખાતા આ વૃક્ષની વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં તેના પાન ખરી જાય છે અને ત્યારબાદ ફૂલો ખીલે છે.
દક્ષિણ ગુજરાતમાં નર્મદાના જંગલ વિસ્તારમાં નર્મદા અને છોટાઉદેપુર જંગલ વિસ્તારમાં કેસુડાના ફૂલો પૂર બહારમા ખીલી ઊઠ્યા છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, દેડિયાપાડા, સગબારાના જંગલોને માર્ગ પર રોડની આજુબાજુ પુષ્કળ કેસુડા ખીલ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર અને અંબાજી જતા રોડ પર બન્ને બાજુએ કેસુડાના વૃક્ષો પર કેસરી ફુલો ખીલી ઊઠ્યા છે. તેમજ કચ્છના વાગડ વિસ્તારના રાપર-ચિત્રોડ વચ્ચે ખીરઈ બાયપાસ માર્ગ પર આ સુંદર વૃક્ષો જોવા મળી રહ્યા છે. જેમાં કેસરી રંગના ફૂલોથી લચી પડેલી ડાળીઓ અને તેના ઝુમખાઓ આંખોને તૃપ્ત કરી દે છે
કેસુડાના ફૂલો માત્ર સૌંદર્ય માટે જ નહીં, પરંતુ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. આ ફૂલોનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે થાય છે. ફૂલોને ગરમ પાણીમાં ઉકાળીને અથવા રાત્રે પલાળી રાખી સવારે તેના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે. નાના બાળકો માટે પણ આ ફૂલોનું પાણી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.