ગાંધીનગર, 09 સપ્ટેમ્બર, 2026 : Homestays will become an important asset in Gujarat’s tourism sector ગુજરાતમાં પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને આતિથ્યનો નજીકથી અનુભવ મળે તે માટે રાજ્ય સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે રજીસ્ટ્રેશન પોલિસી-2020 થી અમલમાં મૂકવામાં આવી છે. હોમસ્ટે દ્વારા પ્રવાસીઓને હોટેલ કરતાં અલગ, સ્થાનિક પરિવાર સાથે રહીને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક ભોજન અને જીવનશૈલીનો વાસ્તવિક અનુભવ મેળવવાની તક મળે છે.
ગુજરાતના વિકસતા પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગામી સમયમાં હોમસ્ટે એકમો મહત્વપૂર્ણ એસેટ તરીકે ઉભરી શકે છે. રાજ્યમાં વિવિધ મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો, ઉત્સવો, કોન્ફરન્સ અને પ્રવાસન આધારિત મેગા ઇવેન્ટ્સ યોજાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પ્રવાસીઓ માટે વધારાની અને વૈવિધ્યસભર આવાસ ક્ષમતાની જરૂરિયાત ઊભી થશે. આવા સમયે નોંધાયેલ અને ગુણવત્તાયુક્ત હોમસ્ટે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.
હોમસ્ટે માત્ર આવાસની સુવિધા પૂરતી મર્યાદિત ન રહીને અનુભવ આધારિત પ્રવાસન ને પ્રોત્સાહન આપે છે. ગ્રામ્ય જીવનશૈલી, હસ્તકલા, સ્થાનિક ભોજન અને પરંપરાગત આતિથ્યનો અનુભવ પ્રવાસીઓને કરાવી શકાય છે. સાથે જ તે ગ્રામ્ય રોજગારી અને મહિલાઓના સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે.
હોટેલ શ્રેણીમાં જેમ સુવિધાઓના આધારે વન સ્ટારથી લઈને 7 સ્ટાર સુધીની કેટેગરી હોય છે તેમ હોમ સ્ટેમાં સિલ્વર , ગોલ્ડ અને પ્લેટિનમ શ્રેણી હોય છે. જે અંતર્ગત ગુજરાતમાં હાલ 255 સિલ્વર, 8 ગોલ્ડ અને 7 પ્લેટિનમ કેટેગરીના હોમસ્ટેનો આમ કુલ 270 હોમ સ્ટે નોંધાયેલા છે. હોમસ્ટે તરીકે નોંધણી કરવા ઇચ્છુક નાગરિકો પ્રવાસન કમિશ્નરની કચેરીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે:
હોમસ્ટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો: https://commissionertourism.gujarat.gov.in/
નોંધણી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ સ્થળની ભૌતિક ચકાસણી કરવામાં આવે છે અને સુવિધાઓના આધારે હોમસ્ટેને પ્લેટિનમ, ગોલ્ડ અથવા સિલ્વર કેટેગરી આપવામાં આવે છે.


