1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં નશાની હાલતમાં કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકની ધોલાઈ કરી
સુરતમાં નશાની હાલતમાં કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકની ધોલાઈ કરી

સુરતમાં નશાની હાલતમાં કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકની ધોલાઈ કરી

0
Social Share

 સુરત, 3 જુન,2026 : Drunk driver rams 3 vehicles શહેરના સરથાણા જકાતનાકા પાસે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કારચાલકે બે બાઈક અને કારને અડફેટે લેતા પાંચ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતને લીધે આજુબાજુના લાકો દોડી આવ્યા હતા. અને ઉશ્કેરાયેલા લોકોએ નશાખોર કારચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો. તેમજ કારના તમામ કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો,  પોલીસે નશાખોર કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  શહેરના સરથાણા જકાતનાકા પાસેથી એક ઇલેક્ટ્રિક કાર (GJ 05 RU 2251) પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. નશાની હાલતમાં કારના ચાલક વિજયએ કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. આટલેથી જ ન અટકતા, નશાખોર ચાલકે આગળ જઈને એક કારને પણ જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બન્ને બાઇક અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ જોયું કે કાર ચાલક વિજય દારૂના નશામાં ચૂર હતો, જેને પગલે લોકો ઉશ્કેરાયા હતા. અને રોષે ભરાયેલા ટોળાએ ચાલક વિજયને કારમાંથી બહાર ખેંચી કાઢીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. એટલું જ નહીં, લોકોએ અકસ્માત સર્જનાર ઇલેક્ટ્રિક કારના તમામ કાચ તોડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

આ અકસ્માતમાં ઘવાયેલા 5 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, લોકોના મારને કારણે અકસ્માત સર્જનાર આરોપી કાર ચાલક વિજયને પણ ઇજાઓ થઈ હોવાથી તેને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી, તે ખરેખર નશામાં હતો કે કેમ તેની તબીબી તપાસ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code