સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો ફરજિયાત
ગાંધીનગર, 24 એપ્રિલ 2026: It is also mandatory to declare the expenses of social media campaign રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજથી શાંત પડી જશે, રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજ્યના ચૂંટણી પંચે મહાપાલિકા, પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ત્યારે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવતા પ્રચાર પર થતો ખર્ચ ચૂંટણી આયોગને ફરજિયાત રીતે જણાવવો પડશે.
રાજ્ય ચૂંટણી આયોગના નિર્ણય મુજબ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર કરવામાં આવતા તમામ પ્રકારના પ્રચાર જેમ કે, પેઈડ એડ, બૂસ્ટેડ પોસ્ટ, વીડિયો કેમ્પેઇન અથવા અન્ય ડિજિટલ સામગ્રીનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં સમાવેશ કરવો જરૂરી રહેશે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પ્રચારને હવે પરંપરાગત પ્રચાર જેટલું જ મહત્વ આપવામાં આવશે. કોઈપણ પ્રકારનો ખર્ચ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેને ગંભીર ભંગ ગણાવીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ચૂંટણી આયોગના આ નિર્ણયથી ડિજિટલ પ્રચારમાં પારદર્શિતા વધશે. ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો અને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા માધ્યમોની માહિતી સંબંધિત અધિકારીઓને પૂર્વ જાણ કરશે. ઉપરાંત, દરેક જાહેરાત અથવા પ્રચાર સામગ્રી માટે થયેલા ખર્ચના પુરાવા પણ જાળવવા પડશે.
જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા અને સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ચૂંટણી આયોગના આ નિર્ણયથી ડિજિટલ પ્રચારમાં પારદર્શિતા વધશે અને ખર્ચની સાચી વિગતો સામે આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા વધુ નિષ્પક્ષ અને વિશ્વસનીય બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


