જુનાગઢ, 23 જુન, 2026 : Rescue of lion cub fallen in well ગીરના જંગલમાંથી સિહ અવાર-નવાર શહેરના રહેણાંક વિસ્તારો સુધી આવી જતા હોય છે. વહેલી સવારે એક સિંહબાળ શહેર નજીક ખૂલ્લા કૂવામાં ખાબક્યું હતું. સિંહબાળ કૂવામાં પડતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અને એક કલાકની જહેમત બાદ સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, શહેરની વાણંદ સોસાયટી નજીક વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક સિંહબાળ અકસ્માતે એક ખૂલ્લા કૂવામાં ખાબક્યુ હતું. સ્થાનિક રહિશોએ વન વિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગની રેસ્ક્યુ ટીમે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સ્થળ પર પહોંચી સુનિયોજિત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આશરે 6:00 વાગ્યે, એટલે કે માત્ર એક કલાકની અંદર સિંહબાળને કૂવામાંથી સફળતાપૂર્વક અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું હતું. વન વિભાગની કુશળતાના કારણે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સિંહબાળને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નહોતી.
કૂવામાંથી બહાર કાઢ્યા બાદ હાલમાં સિંહબાળને વન વિભાગની દેખરેખ હેઠળ જરૂરી તબીબી તપાસ માટે ખાસ ખસેડવામાં આવ્યું છે. જ્યાં વન વિભાગના તબીબો દ્વારા તેની શારીરિક સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તબીબી તપાસ દરમિયાન સિંહબાળ સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું વન વિભાગ દ્વારા જાહેર કરાયા બાદ, તેને ફરીથી તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવશે અને જંગલમાં તેની માતા સાથે તેનું પુનઃમિલન કરાવવામાં આવશે.


