ગાંધીનગર, 30 એપ્રિલ 2026: Mahamandal proposes to exempt teachers from census duty ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં હવે વસતી ગણતરીની કામગીરી શરૂ કરાશે. વસતી ગણતરીની કામગીરીમાં શિક્ષકો ઉપરાંત કોલેજના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર અને વસ્તી ગણતરી વિભાગને વિગતવાર રજૂઆત કરીને કોલેજ અધ્યાપકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માંગ કરવામાં આવી છે. મહા મંડળ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ એકસાથે ચાલી રહી છે, જેના કારણે અધ્યાપકો પહેલાથી જ ભારે કાર્યભાર હેઠળ છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP-2020) અમલમાં મૂકવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. ગુજરાતમાં પણ નવા અભ્યાસક્રમ, મૂલ્યાંકન પદ્ધતિ અને ચાર વર્ષીય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ જેવી વ્યવસ્થાઓ અમલમાં આવી રહી છે. આવી સ્થિતિમાં અધ્યાપકોને વસ્તી ગણતરી જેવી વિશાળ અને સમયગાળા લેનારી કામગીરીમાં જોડવાથી શૈક્ષણિક આયોજન પર સીધી અસર પડશે.
આ ઉપરાંત હાલમાં યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ, પ્રેક્ટિકલ, પેપર ચેકિંગ અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો અધ્યાપકોને વસ્તી ગણતરીમાં જોડવામાં આવશે તો પરીક્ષા વ્યવસ્થા ખોરવાઈ શકે છે અને વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે.
મહા મંડળ દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી છે કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પ્રક્રિયામાં પણ અધ્યાપકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન, દસ્તાવેજ ચકાસણી અને મેરિટ સંબંધિત કામગીરીમાં તેઓ જોડાયેલા છે. આવા સમયે વધારાની સરકારી ફરજ સોંપવામાં આવશે તો પ્રવેશ પ્રક્રિયા પર નકારાત્મક અસર થવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહામંડળે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે કોલેજ અધ્યાપકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે અને આ માટે વિકલ્પ રૂપે અન્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. સાથે જ શિક્ષણ ક્ષેત્રની સંવેદનશીલતા સમજતા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. (FILE PHOTO)


