કપડવંજ, 28 જુન 2026 : Massive explosion and fire in illegal firecracker factory શહેરના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે ભયાનક વિસ્ફોટ સાથે આગ લાગી હતી. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો હતો. ફેક્ટરીની દીવાલ, પતરાનો શેડ અને ઓફિસનું આખું મકાન તૂટીને ભુક્કો થઈ ગયું હતું. એટલુ જ નહીં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં બે શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં ડમ્પિંગ સ્ટેશનની સામેના ભાગમાં આવેલી ફટાકડા બનાવતી અને ગેરકાયદે ચાલતી ફેક્ટરીમાં સવારે આશરે 9:30 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. કહેવાય છે. કે, ફેક્ટરી ફટાકડાની નહીં પરંતુ ફટાકડામાં વપરાતી કાર્બનની દિવેટ બનાવવાની હતી, જે કોઈપણ સત્તાધિકારીની મંજૂરી, પરવાના કે ફાયર સેફ્ટીના સાધનો વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી. માનવ જીવન જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વિસ્ફોટક પદાર્થો રાખવા બદલ કપડવંજના મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ તપાસ દરમિયાન એવી હકિકત જાણવા મળી છે કે, અમદાવાદના ઈસનપુરના રહેવાસી મિતુલકુમાર પટેલે આ જગ્યા ભાડે રાખી હતી. પોલીસે મુખ્ય આરોપી મિતુલ પટેલ અને તપાસમાં ખુલનારા અન્ય શખ્સો વિરુદ્ધ BNSની કલમ 110, 287, 288 તેમજ વિસ્ફોટક અધિનિયમની કલમ 9-B મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. આ કેસની તપાસ SOGના પીઆઈને સોંપવામાં આવી છે અને FSL સહિતની એજન્સીઓ દ્વારા વિસ્ફોટક પદાર્થોની તપાસ ચાલુ છે. આ ઘટના સમયે ત્યાં 13 થી 14 લોકો હાજર હતા, જેમાંથી સુનીતાબેન અને દેવાંગભાઈ એમ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે અને હાલ બંનેની તબિયત સ્થિર છે. ઘટનાસ્થળેથી મળી આવનારા વિસ્ફોટક પદાર્થોને નિયમાનુસાર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ફેક્ટરીમાંથી પોટેશિયમ નાઈટ્રેટ નામનો મોટો જથ્થો મળી આવ્યો છે. ફેક્ટરીમાં જે દિવેટ બનાવામાં આવતી હતી તે મોટા વિસ્ફોટકમાં વપરાઈ તે પ્રકારે મજબૂત હતી. હાલમાં FSL દ્વારા તમામ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે


