1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં હાઈટેક ઈ-બસ સેવાનું લોકાર્પણ, ભાડું રૂ. 5 થી મહત્તમ 30 નિર્ધારિત
ગાંધીનગરમાં હાઈટેક ઈ-બસ સેવાનું લોકાર્પણ, ભાડું રૂ. 5 થી મહત્તમ 30 નિર્ધારિત

ગાંધીનગરમાં હાઈટેક ઈ-બસ સેવાનું લોકાર્પણ, ભાડું રૂ. 5 થી મહત્તમ 30 નિર્ધારિત

0
Social Share

ગાંધીનગર, 28 જુન, 2026 : Launch of high-tech e-bus service, fare from Rs. 5 to maximum 30 fixed ગાંધીનગર સ્માર્ટ સિટી બનવા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ભરી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી ‘PM-eBus Sewa’ યોજના અંતર્ગત હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આધુનિક, સ્વચ્છ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો દબદબાભેર શુભારંભ થઈ ચૂક્યો છે. સમગ્ર દેશના શહેરી વિસ્તારોમાં પ્રદૂષણમુક્ત અને સુગમ વાહનવ્યવહાર પૂરો પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫૭,૬૧૩ કરોડના કુલ અંદાજિત ખર્ચ સાથે આ યોજના અમલમાં મૂકાઈ છે, જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. ૨૦,૦૦૦ કરોડનો છે.

Public-Private Partnership એટલે કે PPP મોડેલ પર આધારિત આ મહત્ત્વાકાંક્ષી અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ૧૦,૦૦૦ ઈલેક્ટ્રિક બસો તૈનાત કરવાનું લક્ષ્ય છે. આ યોજના અંતર્ગત ગાંધીનગર શહેરને કુલ ૧૦૦ ઇલેક્ટ્રિક મિડી બસોની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત Gandhinagar Greenline Transport Service Limited -GGTSL મારફતે આ યોજનાનું સફળ અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, જેના પ્રથમ તબક્કા તરીકે ૪૦ આધુનિક એ.સી. ઇ-બસોને લીલી ઝંડી આપીને નિયમિત રૂટો પર કાર્યરત કરવામાં આવી છે.

નાગરિકોની સેવામાં ઉમેરવામાં આવેલી આ નવી ઇ-બસો માત્ર પર્યાવરણને જ અનુકૂળ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સવલતની દ્રષ્ટિએ પણ બેજોડ છે. ૯ મીટર લાંબી આ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ મિડી બસોમાં ૨૫ મુસાફરોની બેઠક ક્ષમતા ઉપરાંત ૧૩ મુસાફરો ઉભા રહે એ માટે આરામદાયક સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગ નાગરિકો માટે બસમાં હાઇડ્રોલિક રેમ્પ/પ્લેટફોર્મ સહિતની સંપૂર્ણ અક્સેસિબિલિટી સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ મહિલા મુસાફરો માટે ૪ બેઠકો અને વરિષ્ઠ નાગરિકો માટે પણ ૪ બેઠકો અનામત રાખવામાં આવી છે.

ઇ-બસ સેવાના નિર્વિઘ્ન અને અવિરત સંચાલન માટે સરગાસણ ખાતે અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચે અત્યાધુનિક ડેપો અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, જ્યાં આધુનિક ચાર્જિંગ સ્ટેશન, મેન્ટેનન્સ વ્યવસ્થા અને ઓપરેશનલ કંટ્રોલ સિસ્ટમ જેવી ટેકનિકલ સુવિધાઓ ઊભી કરાઈ છે.

નાગરિકોની સુવિધા માટે ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોને સાંકળતા ૧૮ વૈજ્ઞાનિક ધોરણે આયોજનબદ્ધ રૂટો નક્કી કરાયા છે. આ નેટવર્ક અંતર્ગત સરગાસણ, પાથિકાશ્રમ, સચિવાલય, ગાંધીનગર રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી , ચિલોડા, દહેગામ, કડી, કલોલ, ચાંદખેડા, ધમાસણ, નારદિપુર, સોનિપુર, કોથા, આદરજ મોટી, ટીંટોડા, IIT ગાંધીનગર, ડભોડા અને માણસા સહિતના વિસ્તારોને આવરી લેવાયા છે. સામાન્ય નાગરિકોને પોષાય તેવા હેતુથી મુસાફરીનું ભાડું અંતરના આધારે ન્યૂનતમ રૂ. ૫ થી મહત્તમ રૂ. ૩૦ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં ૩ કિમીથી ઓછા અંતર માટે રૂ. ૫, ૩ થી ૫ કિમી માટે રૂ. ૧૦, ૫ થી ૮ કિમી માટે રૂ. ૧૫, ૮ થી ૧૪ કિમી માટે રૂ. ૨૦, ૧૪ થી ૨૦ કિમી માટે રૂ. ૨૫ અને ૨૦ કિમીથી વધુ અંતર માટે રૂ. ૩૦ ભાડું રહેશે. ગાંધીનગરના નાગરિકો આ નવી સેવાનો ઉત્સાહભેર અનુભવ કરી શકે તે માટે સેવાના પ્રારંભથી પ્રથમ ૧૫ દિવસ સુધી સમગ્ર મુસાફરી સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવી છે અને ત્યારપછી પણ ૫ વર્ષથી ઓછી વયના બાળકો માટે મુસાફરી સર્વદા નિઃશુલ્ક રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code