અમદાવાદ, 14 ઓક્ટોબર, 2026 : More than 75 houses demolished on Narendra Modi Stadium Road શહેરના સાબરમતીના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડને 61 મીટર પહોળો કરવા માટે 75થી વધુ કાચા-પાકા મકાનોના દબાણો પર બુલડોઝર ફેરવીને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. એએમસી દ્વારા અસરગ્રસ્ત મકાનના માલિકોને વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે મકાનો ફાળવવામાં આવશે હાલમાં જ્યાં સુધી મકાન ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓને ભાડાના ચેક આપી દેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં આગામી કોમનવેલ્થને લઈને એએમસી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને 61 મીટર પહોળો કરવા રોડ પરના 75 રહેણાંક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. ટોલનાકાથી સ્ટેડિયમ સુધીના એક કિલોમીટરના રોડ ઉપર આવતા 75 મકાનો તોડી પડાયા છે. મકાનોના ડિમોલિશન માટે બે હિટાચી મશીન, બે જેસીબી સહિતના સાધનો અને મજૂરોની મદદ લેવામાં આવી હતી. મકાનો તૂટતા બળદેવનગર, શંકરજીની ચાલી, નિરાંત નગર, અને આનંદનગરના રહિશો અસરગ્રસ્ત બન્યા છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના સાબરમતી વોર્ડમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રોડને 61 મીટર પહોળો કરવાનો હોવાના લીધે રોડ પર 100થી વધુ રહેણાંક મકાનોમાંથી 75 મકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રહિશોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. મોટાભાગના રહેણાંક મકાનો ખાલી કરી દેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત મકાનના માલિકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો ફાળવવામાં આવશે હાલમાં જ્યાં સુધી મકાન નહીં ફાળવવામાં આવે ત્યાં સુધી તેઓને ભાડાના ચેક આપી દેવામાં આવ્યા છે. જે લોકોએ રહેણાંકના પુરાવા આપ્યા છે એવા 66 લોકોએ ભાડાના ચેક સ્વીકારી લીધા છે. જે લોકોના પુરાવા નથી તેઓને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક મકાનો આપવામાં આવ્યા નથી.


