રાજકોટ, 20 મે, 2026: People are troubled by power cuts in Saurashtra-Kutch સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં વીજળીના કાપથી લોકો પરેશાન થઈ રહ્યા છે. સરકારી માલિકીની વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે વીજ લાઈનોનું મેઈન્ટેનન્સનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવ્યું છે. જેના લીધે જે વિસ્તારમાં વીજ લાઈનોના મરામતનું કામ કરવાનું હોય તે વિસ્તારમાં વીજ કાપ મુકવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં 9501 ફીડર છે. જેમાંથી અત્યાર સુધીમાં 9061 ફીડરનું મેઈન્ટેનન્સ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે 5% કામગીરી જ બાકી છે પરંતુ વિજ કાપને કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર – કચ્છના 56.92 લાખ ગ્રાહક પરિવારને વીજ પુરવઠો પૂરો પાડતા PGVCL દ્વારા હાલ ઉનાળામાં કાળઝાળ ગરમીમાં વિજ કાપ મૂકવામાં આવી રહ્યો છે. જેનું કારણ એ છે કે પ્રિ મોન્સૂનની કામગીરીના ભાગરૂપે માસ મેઈન્ટેનન્સ થઈ રહ્યું છે. ગત ફેબ્રુઆરીથી દરરોજ 1 ફીડર રિપેર કરતા તેની હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુવઠો બંધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે PGVCL ના સૂત્રોના કહેવા મુજબ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તમામ ટ્રાન્સફોર્મરો, ફીડરો અને જે જગ્યાએ વીજ કનેક્શન છે ત્યાં વિજ પોલથી માંડીને કેબલ ચોમાસામાં ડેમેજ ન થાય અને ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પડી રહે તે માટે માસ મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી 31 મે સુધીમાં 100% મેઈન્ટેનન્સ થઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસામાં થોડા વરસાદ અને વાવાઝોડાને લીધે વીજળી પુરવઠો ન ખોરવાય અને ગુણવત્તા યુક્ત વીજળી મળે તે માટેનો વીજ લાઈનોનું મેઈન્ટેનન્સ કરવું જરૂરી છે. પીજીવીસીએલના ગ્રાહકો છે તેઓને પણ તકલીફ ન પડે તે માટે ચોમાસા પૂર્વે માસ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી દેવાશે. એવુ પીજીવીસીએલના સૂત્રોએ ઉમેર્યું હતું.


