સુરત, 29 જુન, 2026 : Green laser light during flight landing, pilot informs ATC શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ શનિવારે રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટના લેન્ડિંગ સમયે કોઈ અજાણ્યા શખ્સે ગ્રીન લેઝર લાઈટ કરતા પાઈલટે એટીસીને જાણ કરી હતી. અને આ મુદ્દે એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ એરક્રાફ્ટની સુરક્ષા સામે ઊભા થયેલા આ ગંભીર સવાલને પગલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 27 જૂન શનિવારે રાત્રે દિલ્હીથી આવેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-6511 તેના નિર્ધારિત સમયે સુરત એરપોર્ટ પર લેન્ડ કરવાની તૈયારીમાં હતી. વિમાન રનવે તરફ આગળ વધી રહ્યું હતું અને લેન્ડિંગની ફાઈનલ એપ્રોચ ચાલી રહી હતી, બરાબર એ જ સમયે વિમાનની કોકપિટ પર અચાનક તીવ્ર ગ્રીન લેઝર લાઈટ આવીને પડી હતી. સદનસીબે પાયલટે સંયમ જાળવી રાખ્યો હતો અને પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
ફ્લાઈટ રનવે પર લેન્ડ થયા બાદ તરત જ પાયલટે આ અંગેની ગંભીર જાણ એર ટ્રાફિક કંટ્રોલને કરી હતી. લેન્ડિંગ વખતે લેઝર લાઈટના કારણે પાયલટની આંખો અંજાઈ જવાનો અને વિઝન ખોરવાઈ જવાનો મોટો ખતરો રહે છે. ઘટનાની ગંભીરતાને જોતા ATC, એરપોર્ટ ઓથોરિટી અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) તુરંત એક્શન મોડમાં આવી ગયા હતા. કયા વિસ્તારમાંથી આ લેઝર લાઈટ કરવામાં આવી હતી તે લોકેશન ટ્રેસ કરવા માટે સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. જ્યારે કોઈ વિમાન લેન્ડિંગ કે ટેક-ઓફની પોઝિશનમાં હોય ત્યારે પાયલટનું ધ્યાન સો ટકા રનવે પર કેન્દ્રિત હોય છે. આવા સમયે જો કોકપિટ પર લેઝર લાઈટ પડે, તો પાયલટ ક્ષણિક ધોરણે બ્લાઈન્ડ અનુભવે છે. આ સ્થિતિમાં વિમાન પરનો કાબૂ ગુમાવવાનો અને સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકાવાનો મોટો ડર રહે છે. એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં લેઝર લાઈટના ઉપયોગ પર સખત પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે.


