વડોદરા, 30 એપ્રિલ 2026: Resident doctors go on strike in protest against attack on Sayaji Hospital doctor શહેરની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી છે. હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવા માટે જિલ્લા કલેક્ટર અને જોઈન્ટ CP દોડી આવ્યા હતા.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ ડીકંપોઝ થઈ જવાની ઘટના બાદ ડોક્ટર પર હુમલો થયો હતો. જેના વિરોધમાં આજે સવારથી ડોક્ટરોએ ચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી દીધી છે. રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીને કારણે દર્દીઓની સારવાર વ્યવસ્થામાં મુશ્કેલીઓ પડી રહી છે. આ સમયે હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટર્સે સારવારની કામગીરી સંભાળી લીધી છે. રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતાં હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે. તેમણે હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા અંધકારમય વિસ્તારોમાં વધુ લાઇટિંગ વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે.
સયાજી હોસ્પિટલના ડોક્ટર પર ગઈકાલે થયેલા હુમલા અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આજે સવારથી રેસિડેન્ટ ડોક્ટરોએ હુમલાનો વિરોધ કરતા હડતાળ શરૂ કરી છે. ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે બાકીની કામગીરીથી ડોક્ટરો અલિપ્ત રહ્યા છે. હડતાલના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા કલેકટર સહિત અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને સુપ્રીટેન્ડન્ટ સાથે વાટાઘાટો શરૂ કરી છે. રેસીડેન્ટ ડોક્ટરોની એક જ માગ છે કે તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે જેથી આવી હુમલાની ઘટનાઓ અટકાવી શકાય. રેસીડન્ટ ડોક્ટરને ગેરહાજરીમાં મેડિકલ કોલેજના પ્રોફેસર અને અન્ય સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર હાલ પૂરતી શરૂ કરવામાં આવી છે.


