અમદાવાદ, 24 એપ્રિલ 2026: Scorching heat along with Vaisakhi winds affects public life ગુજરાતભરમાં વૈશાખી વાયરા સાથે કાળઝાળ ગરમીથી જનજીવન પર અસર પડી છે. અમદાવાદ અને રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અસહ્ય ગરમીને લીધે બપોરના ટાણે મહાનગરોના રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હિલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’ થી બચવા મથામણ કરી રહ્યા છે.
રાજ્યના હવામાન વિભાગે તા. 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવું પડશે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 26મી એપ્રિલને રવિવારે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી જવાની શક્યાતા છે.
જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઈને એક મહત્વની આગાહી કરી છે. આજથી રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીના પારામાં મોટો ઉછાળો જોવા મળશે. મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી આકરા તાપની અસર વર્તાશે. વડોદરા, આણંદ, નડિયાદ અને કપડવંજના વિસ્તારોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો આસમાને પહોંચશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 43°C થી 44°C સુધી પહોંચી શકે છે. મે મહિનાની શરૂઆતમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45°Cને પણ વટાવી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સૂર્યદેવનો પ્રકોપ જોવા મળશે. મહીસાગર અને પંચમહાલમાં તાપમાન 42°C થી 43°C રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, કડી, બેચરાજી, માણસા તેમજ સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીમાં તાપમાન 42°C થી 43°Cની આસપાસ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો રાજકોટમાં પારો 42°C, જૂનાગઢમાં 41°C અને કચ્છમાં 41°Cની આસપાસ રહેવાની શક્યતા છે.


